ગાંધીનગરઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસના કારમા પરાજય બાદ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ રાજીનામું ધરી દીધું છે. બંનેનું રાજીનામું હાઈકમાન્ડે સ્વીકારી પણ લીધું છે. ત્યારે કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે ટ્વિટ કરીને કહ્યું હતું કે કોંગ્રેસના વિજેતા ઉમેદવારોને શુભેચ્છાઓ અને પરાજિત થયેલા ઉમેદવારોએ નિરાશ થવાની જરૂર નથી.


હાર્દિક પટેલે ટ્વિટ કરી છે કે, વિજેતા ઉમેદવારો કાલથી જ જનતાની સેવામાં લાગી જાય તેવી વિનંતી કરું છું. આવનાર દિવસોમાં કોંગ્રેસ પાર્ટી મજબૂત વિપક્ષ બનીને રોડ પર સંઘર્ષ કરીને જનતાના વિશ્વાસને પ્રાપ્ત કરશે. રોડથી લઈને વિધાનસભા સુધી કોંગ્રેસ પાર્ટી વિપક્ષની ભુમિકામાં અગ્રેસર રહેશે.

આ પહેલાં છ મહાનગરપાલિકાનાં પરિણામોમાં કોંગ્રેસનો સફાયો થતાં પાંચ શહેરના પ્રમુખોએ રાજીનામાં આપી દીધાં હતાં. અમદાવાદમાં શહેર કોંગ્રેસ-પ્રમુખ શશિકાંત પટેલ અને રાજકોટમાં કોંગ્રેસ-પ્રમુખ અશોક ડાંગરે પણ પરાજયનો સ્વીકાર કરીને રાજીનામું આપ્યું હતું. સુરતમાં બાબુભાઈ રાયકા તથા ભાવનગરમાં પ્રકાશ વાઘાણી અને વડોદરામાં પ્રશાંત પટેલે પણ રાજીનામાં આપ્યા હતા; જામનગર એક એવું શહેર છે કે જ્યાં કોંગ્રેસ-પ્રમુખે રાજીનામું આપ્યું નથી.