જામનગરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રજાસત્તાક દિનની પરેડમાં હાલારી પાઘડી પહેરી એ આકર્ષણનું કેન્દ્ર બની હતી. પ્રજાસત્તાક દિવસની પરેડમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાલારી પાઘડી પહેરી તેના પગલે બુધવારે નવાનગરના જામસાહેબ શત્રુશલ્યસિંહજીએ વેધક સવાલ કર્યો છે કે, આપણા વડાપ્રધાન ક્ષત્રિય નથી કે હાલારી નથી છતાં તેમણે પાઘડી બાંધી કાર્યક્રમમાં હાજરી આપી ત્યારે ક્ષત્રિય સનાજના યુવાનો ક્યારે જાગશે ?

જામ સાહેબે ક્ષત્રિય ર સમાજને સંદેશો આપતાં કહ્યું કે, વડાપ્રધાનના વર્તનમાંથી પ્રેરણા મેળવીને સમાજના યુવાઓ પાઘડી પહેર્ર અને આપણી પરંપરાને માન આપે. જામસાહેબે કહ્યું કે, જામનગરના દરબારોને હું કહેવા માંગું છું કે તમે જુઓ આપણા વડાપ્રધાન કે જે નથી દરબાર કે નથી હાલારી અને છતાં તેમણે પાઘડી માથા ઉપર બાંધીને સત્તાવાર કાર્યક્રમમાં હાજરી આપી. હું એમ માનું છું કે તેમણે આપણા ઇતિહાસમાં જોયું હશે કે, મુસલમાન સિપાહીઓ સાફો બાંધતા અને હિંદુ લડવૈયાઓ નોખી – નોખી જાતની પાઘડી હંમેશાં બાંધતા હતા. આપણા સૌરાષ્ટ્રમાં માત્ર જુનાગઢ, માંગરોળ અને માણાવદરના સિપાહીઓ સાફો બાંધતા જ્યારે બીજા બધાય રજવાડાના સિપાહીઓ પાધડી બાંધતા.

તેમણે સવાલ કર્યો કે, હવે આપણા યુવકો અને ખાસ કરીને દરબાર જુવાનીયાઓ ક્યારે જાગશે? આપણા વડાપ્રધાનના દાખલાને માન તો આપો.