ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભામાં વિજય રૂપાણી સરકારે મજૂરોના કાયદા અંગેના ખરડા પર ચર્ચા દરમિયાન મંગળવારે રાત્રે વિધાનસભામાં જોરદાર હોબાળો થયો હતો.


આ ખરડા પર ચર્ચા દરમિયાન કૉંગ્રેસ ધારાસભ્ય નૌશાદ સોલંકી પ્રેક્ષક ગેલેરીમાંથી બોલી રહ્યા હતા ત્યારે સોલંકીએ વિષય બહારની વાતો કરવા માંડતાં ભાજપે વાંધો ઉઠાવ્યો હતો. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે એ વખતે નૌશાદ સોલંકીને કૉંટ્રાક્ટર કહીને ટીપ્પણી કરતાં નૌશાદ સોલંકીએ ગૃહમાં માઈકનો છૂટ્ટો ઘા કર્યો હતો.

નૌશાદ સોલંકીની આ હરકતના પગલે ભાજપ-કૉંગ્રેસના ધારાસભ્યો સામ-સામે આવી ગયા હતા. નૌશાદ સોલંકીએ ગૃહમાં ગેલેરીના પગથિયે જ ધરણાં પર બેસી જઈ કહ્યું કે, નીતિન પટેલ મને કૉંટ્રાક્ટર સાબિત કરે કાં તો માફી માગે. બીજી તરફ તરફ નેતા વિપક્ષ પરેશા ધાનાણી સહીત કૉંગ્રેસના ધારાસભ્યો વિધાનસભા અધ્યક્ષને રજૂઆત કરવા પહોંચ્યા હતા. તેમણે અધ્યક્ષને ગૃહમાં વિપક્ષનું સન્માન ન જળવાતું હોવાની રજૂઆત કરી હતી.

આ મુદ્દે જોરદાર ઉગ્રતા વ્યાપી ગઈ પછી ભારે સમજાવટ બાદ નૌશાદ સોલંકીએ ધરણાં પૂરા કર્યા હતા. કોંગ્રેસે જાહેરાત કરી છે કે, બુધવારે પણ વિધાનસભામાં કૉંગ્રેસ આ મુદ્દાને ગૃહમાં ઉઠાવશે અને નીતિન પટેલ માફી માગે તેવી માગ કરશે.