અમદાવાદ: હાલ વરસાદે વિદાય લઈ લીધી છે ત્યારે હવામાન વિભાગે ફરીથી આગામી ત્રણ દિવસ વરસાદની આગાહી કરી છે. જેમાં સૌરાષ્ટ્રમાં આગામી બે દિવસ અને દક્ષિણ ગુજરાતમાં આગામી ત્રણ દિવસ સુધી વરસાદ પડશે તેવું હવામાન વિભાગનું માનવું છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં ભારે પવન સાથે કડાકા-ભડાકા સાથે વીજળી પણ જોવા મળશે.

દક્ષિણ ગુજરાતનાં ડાંગ, વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલીમાં આગામી રવિવાર-સોમવાર દરમિયાન 30થી 40 કિલોમીટર પવન ફૂંકાવવાની સાથે વરસાદ પડે તેવું હવામાન વિભાગે કહ્યું છે.

આ અંગે હવામાન વિભાગે જણાવ્યાં પ્રમાણે, અપર એર સાયક્લોનિક સરક્યુલેશન સર્જાતા તેની વધુ અસર દક્ષિણ ગુજરાતમાં જોવા મળશે. ડાંગ, વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલીમાં રવિવાર-સોમવારે 30થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે.

આ ઉપરાંત વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ પડે તેવી સંભાવના છે. દક્ષિણ ગુજરાતનાં અનેક જિલ્લામાં આગામી 22 ઓક્ટોબર સુધી વરસાદી વાતાવરણ જોવા મળશે. નૈઋત્ના ચોમાસાએ હજુ આ સપ્તાહના પ્રારંભે વિદાય લીધી છે ત્યાં માવઠાની શક્યતાથી ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઈ છે.

હવામાન વિભાગે આગાહી પ્રમાણે, દાદરા નગર હવેલી, દિવ અને દમણમાં વરસાદ પડે તેવી સંભાવના છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે આગામી પાંચ દિવસ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.