અમદાવાદ: ગુજરાતના અલગ-અલગ વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે કે, રાજ્ય પર છવાયેલું સાયક્લોનિક સરક્યુલેશન દૂર થયું હોવાથી આગામી 5 દિવસ રાજ્યમાં વરસાદ નહીં પડે.


હવામાન વિભાગે આગાહી કરી છે કે, ગુજરાત પર છવાયેલું સાયક્લોનિક સરક્યુલેશન દૂર થયું છે જેને કારણે આગામી 5 દિવસ રાજ્યમાં વરસાદ નહીંવત છે. જોકે અલગ-અલગ વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે છે. ત્યારે ગઈકાલે અમદાવાદમાં ભારે વરસાદ ખાબક્યો હતો જેના કારણે રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં હતાં.

ગુજરાતના અલગ-અલગ વિસ્તારોમાં છેલ્લા ઘણાં દિવસથી વરસાદ વરસી રહ્યો છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ઘણાં વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત કચ્છમાં પણ ભારે વરસાદ જોવા મળ્યો હતો.

ગુરૂવારે ગુજરાતના 45 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. પંચમહાલના શહેરામાં સૌથી વધુ પોણા બે ઈંચ વરસાદ ખાબક્યો હતો. મહીસાગરના સંતરામપુરમાં દોઢ ઈંચ વરસાદ ખાબક્યો હતો. વાવણીલાયક વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.

રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહ્યો હતો. ગુરુવારે સૌરાષ્ટ્ર પર મેઘરાજાએ હેત વરસાવ્યું છે તેના કારણે વાવેતરને જીવતદાન મળવાની સાથે નદી અને ડેમમાં પાણીની નોંધપાત્ર આવક થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ છે.

અમરેલી જિલ્લામાં છેલ્લા બે દિવસથી મેઘરાજા મહેરબાન થયા હતાં. અમરેલી જિલ્લાના દામનગર શહેરમાં વરસાદ પડ્યો હતો. ધારી ગીરના ઝર, મોરઝર, ખીચા, આંબરડી સહિતના ગામડાઓમાં વરસાદ વરસ્યો હતો.

વિસનગરમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. વિસનગર અને કાસા, કંસારા, સવાલા,સહિતના ગામોમાં વરસાદ પડ્યો હતો. વરસાદને લઇને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.