સુરતઃ ગુજરાતમાં ભાજપના બે દિગ્ગજ નેતા વિજય રૂપાણી અને સી.આર. પાટિલ વચ્ચે મતભેદો હોવાની ચર્ચા ચાલી રહી છે. રાજ્યના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ વાતને ખોટી ગણાવી છે. ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તેમની અને પ્રદેશ પ્રમુખ પાટિલ વચ્ચે કોઈ મતભેદ નથી એવી સ્પષ્ટતા કરીને કહ્યું છે કે, અમે બંને સાથી કાર્યકરો તરીકે કામ કરી રહ્યાં છીએ અને મારે અને સીઆર પાટીલ વચ્ચે કોઈ મતભેદ નથી. તેમણે કહ્યું કે, પ્રદેશ અધ્યક્ષ ને મારો સંપૂર્ણ સહકાર છે અને સીઆર પાટીલ સાથે હું સારી રીતે કામ કરી રહ્યો છું.


સુરતમાં જૈન સમાજના 75 વ્યક્તિના દિક્ષાના કાર્યક્રમમાં આવેલા ગુજરાતના પુર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પૂછવામાં આવ્યું હતું કે, તમારા અને પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ વચ્ચે નારાજગી છે ? આ અંગે વિજય રૃપાણીએ કહ્યું હતું, મારી અને અધ્યક્ષ વચ્ચે કોઈ પણ નારાજગી નથી. અમે લોકો સાથી કાર્યકરો તરીકે સાથે કામ કરીએ છીએ.  પ્રદેશના અધ્યક્ષ તરીકે પાટીલની જવાબદારી છે અને એમને મારો સંપૂર્ણ સહકાર છે. હું તેમની સાથે સારી રીતે કામ કરીશ.


ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલે હાલમાં જ એક નિવેદન કર્યું છે કે, કાર્યકરોને સાંભળતા નહી હોય એવા મંત્રીઓ અને નેતાઓની હવા કાઢી નાંખવામા આવશે. આ અંગે તમે શું કહેશો ?  તેના જવાબમાં રૂપાણીએ જણાવ્યું હતું કે, પાટીલની લાગણી કાર્યકરો સાથે છે અને તેમને લાગે છે કે,  કાર્યકર્તાઓને સાંભળવામાં આવે અને કાર્યકરોના પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ કરવામાં આવે તે સારી વાત છે.


સુરત આવેલા વિજય રૂપાણીએ રૂપાણીએ વિવિધ ધાર્મિક અને સામાજિક કાર્યક્રમમાં હાજરી આપી હતી.  રૂપાણીએ  વ્હોરા સમાજના ધર્મગુરુની મુલાકાત લીધી હતી. આ પહેલાં સુરતના વેસુ વિસ્તારમાં દીક્ષા સમારોહમાં હાજર રહ્યા હતા. ત્યારબાદ દાઉદી વ્હોરા સમાજ ના ધર્મગુરુની મુલાકાત લીધી હતી.