ગુજરાતમાં વરસાદને લઈને હવામાન વિભાગે શું કરી મોટી આગાહી? શિયાળાની શરૂઆત ક્યારથી થશે? જાણો વિગત
abpasmita.in | 16 Nov 2019 10:12 AM (IST)
હવામાન વિભાગે કચ્છ-સૌરાષ્ટ્રના કેટલાંક વિસ્તારો સહિત દેવભૂમિ દ્વારકા અને જામનગરમાં આજે હળવાથી મધ્યમ વરસાદની અથવા ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી
અમદાવાદઃ ભારતીય હવામાન વિભાગની આગાહી પ્રમાણે, ગુજરાતમાં આખરે રવિવારથી ઠંડા પવનનો અનુભવ થશે અને આજથી વરસાદ ઓછો થઈ જશે. જોકે છેલ્લા બે દિવસથી ગુજરાતમાંથી શિયાળાનો અહેસાસ થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કચ્છ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદ ખાબક્યો હતો. દક્ષિણ-પશ્ચમિ રાજસ્થાન અને પાડોશી વિસ્તારોમાં સાયક્લોન સર્ક્યુલેશન યથાવત્ છે તેમ IMDની વેબસાઈટમાં જણાવાયું છે. IMDની આગાહી પ્રમાણે, અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી સેલ્સિયસ રહેશે જે ગુરૂવારે 20 ડિગ્રી હતું. જ્યારે મહત્તમ તાપમાન 31.3 ડિગ્રી સેલ્સિયસ હતું. આગામી 24 કલાક દરમિયાન ગુજરાતમાં લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થશે નહીં અને ત્યાર બાદ તેમાં 2-3 ડિગ્રી સેલ્સિયસ ઘટાડો જોવા મળશે તેમ IMDના અધિકારીએ કહ્યું હતું. હવામાન વિભાગે કચ્છ-સૌરાષ્ટ્રના કેટલાંક વિસ્તારો સહિત દેવભૂમિ દ્વારકા અને જામનગરમાં આજે હળવાથી મધ્યમ વરસાદની અથવા ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. કચ્છના કેટલાંક ભાગોમાં 40 કિમી પ્રતિ કલાકની તીવ્ર ઝડપથી ફૂંકાતા પવનનો અનુભવ થશે.