અમદાવાદઃ દક્ષિણ રાજસ્થાન પર સર્જાયેલા સાઈક્લોનિક સરક્યુલેશનની અસર ગુજરાતમાં જોવા મળશે. બે દિવસ ભારે ઠંડી પડવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. જેમાં અમદાવાદ, ગાંધીનગર, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના શહેરોનો સમાવેશ થાય છે. આજે સવારે સૂર્યોદય બાદ પણ ઝાકળના કારણે અંધારું છવાયેલું રહ્યું હતું. ખાસ કરીને અમદાવાદ, ગાંધીનગર સહિત આસપાસના વિસ્તારોમાં ભારે ધુમ્મસ જોવા મળ્યું હતું.


17 અને 18 જાન્યુઆરીએ અમદાવાદનો પારો કોલ્ડ વેવના કારણે ગગડીને નીચો આવશે. અમદાવાદ સહિત ગાંધીનગર, ડીસા, વડોદરા અને સૌરાષ્ટ્ર તથા કચ્છના અમરેલી, પોરબંદર, રાજકોટ, ભાવનગર અને કચ્છમાં ઠંડીનો અચાકારો જોવા મળશે. 18મી તારીખે પણ આ જ વિસ્તારોમાં ઠંડીનું જોર વધુ રહેશે તેવું હવામાન વિભાગે કહ્યું હતું.

19 તારીખે રાજકોટ, દ્વારકા અને કચ્છમાં ઠંડીનું જોર વધારે રહેશે. ત્યાર બાદ ધીમે-ધીમે ઠંડીના પ્રમાણમાં ઘટાડો આવશે. મહત્વનું છે કે, આજે ઉત્તર ભારતના દિલ્હી સહિત કેટલાંક વિસ્તારોમાં વરસાદી છાંટા નોંધાયા છે.

આજે સવારના સાડા 8 વાગ્યે હવામાન વિભાગના આંકડા પ્રમાણે નલિયા રાજ્યનું સૌથી ઠંડું શહેર બન્યું છે. જ્યારે રાજકોટમાં 7.6, કેશોદ-જૂનાગઢમાં 7.6, ભુજમાં 8.7, મહુઆમાં 8.9, પોરબંદર 9.1, ગાંધીનગરમાં 9.8, સુરત 9.8 અને અમદાવાદ 10.7 ડિગ્રી તાપમાન રહ્યું છે.