અમદાવાદઃ ગુજરાતની વિજય રૂપાણી સરકારે બાંધકામ શરૂ કરવા માટેની પરમિશન ઓનલાઈન જ આપી દેવાનો નિર્ણય કરતાં બિલ્ડરોને મોટી રાહત થઈ છે. ઓનલાઈન ડેવલપમેન્ટ પરમિશન આપનારૂં ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે. આ નિર્ણયથી બાંધકામ માટેની પરવાનગી લેવા માટે પણ સરકારી કચેરીઓમાં ધક્કા ખાવા પડશે નહિ.


આ જાહેરાત કરતાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યુ કે ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસની આ માગને ધ્યાનમાં લઈને હવેથી લો રાઇઝ બિલ્ડીંગ માટે ઓફલાઇન પ્લાન પાસીંગ સંપૂર્ણ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઓનલાઇન પરમીશન માત્ર 24 કલાકમાં મળી જાય તેવી વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આંટીઘૂંટીઓ વાળી જટિલ પ્રક્રિયા ખૂબ સરળ કરી માત્ર 1પ મહત્વની જરૂરિયાત વાળી બાબતોને ફોકસ કરીને તેની પૂર્તતાના આધારે પ્લાન પાસ થઇ શકશે. તેમણે ઉમેર્યું કે, ભવિષ્યમાં હાઇ રાઇઝડ બિલ્ડીંગ માટે પણ ઓનલાઈન પ્લાન પાસ કરવાની સુવિધા ચાલુ કરવાનો સરકારનો ઇરાદો છે. મુખ્યમંત્રીએ ઓનલાઇન ડેવલપમેન્ટ પ્લાન સીસ્ટમના અદ્યતન ટેકનોલોજીયુકત વર્ઝનનો મહાત્મા મંદિર ગાંધીનગરથી પ્રારંભ કરાવ્યો હતો.

સમગ્ર દેશમાં ઓનલાઇન પદ્ધતિએ ફેઇસ લેસ વ્યવસ્થા વિકસાવી ડેવલપમેન્ટ પ્લાન પાસ કરનારૂં ગુજરાત દેશમાં પ્રથમ રાજ્ય બન્યું છે. ઓનલાઈન પરમિશન સિસ્ટમ કાર્યરત થતાં લો રાઇઝડ બિલ્ડીંગ માટે ઓફ લાઇન પરવાનગીઓ સંપૂર્ણ બંધ થઇ જશે. રાજ્ય સરકારે નગરપાલિકા-મહાનગરપાલિકાઓમાં પણ બધી પરવાનગીઓ લોકોને ઘરે બેઠા ઓનલાઇન મળે અને કોમન કાયદાઓથી સૌને લાભ મળે કોઇને અન્યાય ન થાય તેવી વ્યવસ્થાઓ ઊભી કરી છે. રૂપાણીએ આ કાર્યક્રમ લોંચ કરતી વખતે પ્રતિકરૂપે રાજ્યના પાંચ નગર-મહાનગરમાં ઓનલાઇન એપ્રૂવલલ અને રજા ચિઠ્ઠીનું આર્કીટેકટ-ઇજનેરોને વિતરણ કર્યુ હતું.