હાલ ગુજરાતમાં વરસાદે વિરામ લીધો છે ત્યારે આગામી બે દિવસે ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. નર્મદા ડેમની સપાટીમાં વધારો થયો છે. 24 કલાકમાં ડેમની જળસપાટીમાં 80 સેન્ટિમીટરનો વધારો નોંધાયો હતો. નર્મદા ડેમમાં 85,778 ક્યૂસેક પાણીની આવક થઈ રહી છે.


નર્મદા ડેમની સપાટીમાં વધારો નોંધાયો છે. 24 કલાકમાં ડેમની જળ સપાટીમાં 80 સેન્ટિમીટરનો વધારો નોંધાયો છે. સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી વધતા વીજ મથક ધમધમતું થયું હતું. 1200 મેગાવોટના રિવર બેડ પાવર હાઉસના 5 યુનિટ શરૂ કરવામાં આવ્યા છે અને સી એચ પી એચનું 1 ટર્બાઈન પણ શરૂ કરવામાં આવ્યું છે.

વીજ મથકો ચાલતાં નર્મદા નદીમાં 40,657 ક્યુસેક પાણી ઠાલવવામાં આવ્યું છે જેને કારણે નદી બે કાંઠે વહેતી થઈ હતી. નર્મદા ડેમની જળ સપાટી 130.85 મીટર પર પહોંચી ગઈ છે. પાણીની આવક નર્મદા ડેમમાં 85,778 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. ડેમના ગેટ લાગ્યા બાદ ડેમનો 138.68 મીટર સુધી ભરી શકાય છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે, રાજ્યમાં 29 અને 30 ઓગસ્ટે ભારેથી અતિભારે વરસાદ પડે તેવી સંભાવના છે. જેમાં 29 ઓગસ્ટે ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડે તેવી સંભાવના છે. જ્યારે 30 ઓગસ્ટે સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના દરિયાકાંઠા વિસ્તારોમાં પવન સાથે ભારે વરસાદ વરસી શકે છે.