અમદાવાદ : લવ જેહાદ (Love jihad) કરનારાઓ દ્વારા ધર્મ પરિવર્તન (converting) કરાવવાની પ્રવૃત્તિ પર બ્રેક લગાવવા માટે ગુજરાત (Gujarat)ના ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા (Pradipsinh Jadeja) ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય સુધારા વિધેયક-2021 લાવી રહ્યા છે.


કોઈને પણ લગ્ન કરાવીને કે પછી લગ્ન કરાવવામાં મદદ કરીને જે તે વ્યક્તિને બળજબરી પૂર્વક ધર્મ પરિવર્તન કરાવવાની પ્રવૃત્તિ પર રોક લાવવાનો ઇરાદો પણ આ સુધારા વિધેયક  લાવવાનો પાછળ છે. કલમ 7માં સુધારો કરીને આ ગુનાને બિનજામીનપાત્ર ગુનો બનાવવામાં આવ્યો છે.


લવ જેહાદ બિલ મુજબ, બળજબરીપૂર્વક ધર્મપરિવર્તન પર પ્રતિબંધ મૂકવામાં આવશે. આવા ગુનાને બિન જામીનપાત્ર ગુનો ગણવામાં આવશે. આ પ્રકારના લગ્ન કરાવનાર સંસ્થા અને સંગઠનો સામે આકરાં પગલાં લેવામાં આવશે. સાથે જ, આવી સંસ્થા અને સંગઠનોના સંચાલકને 3 થી 10 વર્ષની સજા અને ₹ 5 લાખ સુધીનો દંડ કરવામાં આવશે. લવ જેહાદમાં પકડાયેલ આરોપીને 5 વર્ષની કેદ અને  ₹ 2 લાખથી ઓછા નહિ તેવા દંડની જોગવાઈ કરવામાં આવી છે.


આવા કેસમાં લગ્નમાં મદદ કરનાર વિરુદ્ધ પણ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. આવા કૃત્યમાં સ્ત્રી પક્ષ તરફથી લોહીનો સંબંધ ધરાવતા કોઈપણ સંબંધી આ નવા કાયદા હેઠળ ફરિયાદ નોંધાવી શકશે.આ પ્રકારના ગુનાની તપાસ જિલ્લા પોલીસ વડા અને ડીવાયએસપીને સોંપવામાં આવશે.


આ માટે કલમ 3માં ખાસ અને વિશિષ્ટ જોગવાઈ કરવામાં આવી છે. માતાપિતા, ભાઈબહેન, અથવા લોહીના સગપણથી લગ્ન અથવા દત્તક વિધાનથી સગપણ ધરાવતી કોઈ અન્ય વ્યક્તિ ગુનો કરે તો તેની સામે એફઆઈઆર દાખલ કરવાની જોગવાઈ આ વિધેયક મારફતે લાવવામાં આવી છે.


કલમ 3ના માધ્યમથી આ જોગવાઈ કરવામાં આવી છે.  સગીરા, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ સાથે આ પ્રકારે છળકપટ કરવામાં આવ્યું હશે તો તેવા સંજોગોમાં ચારથી સાત વર્ષની જેલની સજા કરવાની જોગવાઈ આ સુધારા વિધેયકના માધ્યમથી કરવામાં આવી છે.