ગુજરાતમાં કોરોના વાયરસના દિવસે ને દિવસે વધુ ભયાવહ રૂપ બતાવી રહ્યો છે અને કુલ કેસનો આંક 50 હજારની નજીક પહોંચી ગયો છે. છેલ્લા 24 કલાકમાં અત્યાર સુધીના સર્વોચ્ચ 998 નવા કેસ નોંધાયા જેની સાથે જ કુલ કેસનો આંક 49 હજાર 439 થયો છે. છેલ્લા 24 કલાકમાં વધુ 20ના મૃત્યુ સાથે કોરોનાથી કુલ મૃત્યુ આંક 2 હજાર 167 થયો છે.


રાજ્યમાંથી 1 હજારથી વધુ કેસ નોંધાયા હોય તેવા જિલ્લાઓમાં રાજકોટ ઉપરાંત અમદાવાદ, સુરત, વડોદરા, ગાંધીનગરનો સમાવેશ થાય છે. ભાવનગરમાં કોરોનાના કુલ કેસ હવે 955 છે તો જે જિલ્લાઓમાં કોરોનાના 100થી વધુ કેસ નોંધાયા હોય તેમાં હવે છોટા ઉદેપુર પણ સામેલ છે. જોકે ડાંગ, પોરબંદર, દ્વારકા, તાપી જ એવા જિલ્લાઓ છે જ્યાં કોરોનાના કુલ કેસનો આંક 100 સુધી પહોંચ્યો નથી.

છેલ્લા 24 કલાકમાં 777 દર્દીઓને રજા આપવામાં આવી છે. આમ, કોરોનાથી સાજા થનારા કુલ દર્દીઓનો આંક હવે 35 હજાર 659 થયો છે. રાજ્યમાં હાલ 11 હજાર 613 એક્ટિવ કેસમાંથી 78 દર્દીઓ વેન્ટિલેટર પર છે.

બીજી તરફ અમદાવાદ શહેરમાં 178 - અમદાવાદ ગ્રામ્યમાં 15 એમ કુલ 193 કેસ નોંધાયા હતા. આમ અમદાવાદમાં કોરોનાના દૈનિક કેસનો આંક એક દિવસમાં જ 200થી નીચે આવી ગયો છે. અમદાવાદમાં હાલ કોરોનાના કુલ કેસ 24,568 છે. છેલ્લા 24 કલાકમાં ડાંગ સિવાય તમામ જિલ્લાઓમાં કોરોનાના કેસ નોંધાયા હતા.

ગુજરાતના અન્ય જિલ્લાઓમાંથી વડોદરા શહેરમાં 60-ગ્રામ્યમાં 18 એમ કુલ 78, રાજકોટ શહેરમાં 40-ગ્રામ્યમાં 16 કુલ 56, ભાવનગર શહેરમાં 26-ગ્રામ્યમાં 16 કુલ 42, ગાંધીનગર શહેરમાં 8- ગ્રામ્યમાં 12 કુલ 20, મહેસાણામાં 26 નવા કેસ નોંધાયા હતા.

છેલ્લા 24 કલાકમાં સુરતમાંથી સૌથી વધુ 11, અમદાવાદમાંથી 4, વડોદરા-નવસારીમાંથી 2-2,ગીર સોમનાથમાંથી 1 વ્યક્તિના મૃત્યુ થયા હતા. કોરોનાથી કુલ મૃત્યુ આંક હવે અમદાવાદમાં 1554, સુરતમાં 266, વડોદરામાં 55, નવસારીમાં 5 અને ગીર સોમનાથમાં 3 છે. છેલ્લા 24 કલાકમાં 777 દર્દીઓને રજા આપવામાં આવી હતી. આમ, કોરોનાથી સાજા થનારા કુલ દર્દીઓનો આંક હવે 35,659 થઈ ગયો છે. ગુજરાતમાં હાલ 11613 એક્ટિવ કેસમાંથી 78 દર્દીઓ વેન્ટિલેટર પર છે.