નોર્થ ઓડિશા અને ઝારખંડ પર બનેલા લો પ્રેશરને કારણે વરસાદી સિસ્ટમ સર્જાઈ રહી છે, તેવી જ રીતે ઉત્તર પ્રદેશ પર સર્જાયેલા અપર એર સાયક્લોનિક સરક્યુલેશન સિસ્ટમ આગળ વધીને મધ્યપ્રદેશ તરફ આવી રહી છે, જેની સીધી અસર ગુજરાતના વાતાવરણમાં જોવા મળી રહી છે.
હવામાન વિભાગના ડાયરેક્ટર જયંત સરકારે જણાવ્યું હતું કે, ગુજરાતમાં આગામી ત્રણ દિવસ ભારેથી અતિ ભારે વરસાદ પડશે. સૌરાષ્ટ્ર-કચ્છમાં 24 કલાક બાદ ભારેથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવના છે. આ બે સિસ્ટમને કારણે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી, મહિસાગર ઉપરાંત અમદાવાદ, ગાંધીનગરમાં પણ ખુબ જ સારો વરસાદ થશે.
મહત્વની વાત એ છે કે, 30 જૂલાઈની આસપાસ વરસાદી સિસ્ટમ કચ્છ તરફ આગળ વધતાં મોરબી, જામનગર સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ થાય તેવી સંભાવના છે. જેથી કુલ મળીને આગામી 5 દિવસમાં વરસાદની સંભાવના છે.
31 જૂલાઈ બાદ એક લો પ્રેશર એરિયા સિસ્ટમ પશ્ચિમ બંગાળમાં બનશે. જેના બે-ત્રણ દિવસ બાદ એટલે કે 2 અને 3 ઓગસ્ટે ગુજરાતમાં સારો વરસાદ પડવાની શક્યતા છે. અત્યાર સુધી અમદાવાદમાં ઓછો વરસાદ નોંધાયો છે, ત્યારે આગામી 28 અને 29 જૂલાઈએ અમદાવાદ અને ગાંધીનગરથી મધ્ય ગુજરાત તરફ પણ સારો વરસાદ જોવા મળશે.
દક્ષિણ ગુજરાતના દમણ, દાદરાનગર હવેલી, વલસાડ, નવસારી, સુરત, ડાંગ તેમજ ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, મહેસાણા, તેમજ કચ્છ, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર અને રાજકોટમાં ભારે વરસાદની શક્યતા છે. તેમજ આગામી 5 દિવસ સુધી રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં માછીમારોને પણ દરિયો ન ખેડવાની સુચના આપવામાં આવી છે.