ગાંધીનગરઃ ગુજરાતમાં ટૂંકા ગાળામાં જ રાજ્યસભાના બે સાંસદોનાં નિધન થયાં છે. ભારદ્વાજની બેઠક ભાજપ પાસે જ હતી પણ અહમદ પટેલના નિધનથી ભાજપને રાજકીય ફાયદો થયો છે કેમ કે તેની રાજ્યસભામાં એક બેઠક વધી જશે. ભાજપ પાસે ગુજરાત વિધાનસભામાં બહુમતી છે તેથી આ બંને બેઠકોની અલગ અલગ ચૂંટણી થશે અને ભાજપ બંને બેઠકો જીતી જશે.

કોંગ્રેસના એહમદ પટેલ અને ભાજપના અભય ભારદ્વાજના નિધનથી આ બંને બેઠકો ખાલી પડયાનું રાજ્યસભા સચિવાલયે બુધવારે જાહેર કર્યું છે. આ બંને બેઠકો માટે એક સાથે, એક જ દિવસે પણ અલગ અલગ બેલેટ પેપરથી ચૂંટણી યોજાશે. તેના કારણે કોંગ્રેસના હાથમા એક પણ બેઠક નહિ આવે. જૂલાઈ 2019માં યોજાયેલી રાજ્યસભાની પેટા ચૂંટણીમાં આ રીતે જ ચૂંટણી કરાઈ હતી. આ અંગેનો કેસ સુપ્રિમમાં કેસ પેન્ડિંગ છે ત્યારે એક સાથે ચૂંટણીની શક્યતા નહિવત છે.

એહમદ પટેલના ટર્મ 18 ઓગસ્ટ 2023 સુધી હતી. જ્યારે અભય ભારદ્વાજની ટર્મ 21 જુન 2026ના રોજ પુર્ણ થતી હતી. રાજ્યસભાએ ગુજરાતમાં 11૧ પૈકી ૨ બેઠકો ખાલી થયાનું જાહેર કર્યા બાદ સવા મહિનામાં પેટા ચૂંટણી થશે. જૂલાઈ 2019ની ચૂંટણીથી અલગ આ વખતે બેઉ બેઠકોની ટર્મ અને ખાલી થવાનાં કારણો અલગ અલગ છે પણ સુપ્રિમમાં કેસ હોવાથી એક સાથે ચૂંટણી નહિ થાય તેથી ભાજપને બહુમતીના જોરે બંને બેઠકો સરળતાથી મળશે. 2019ની ચૂંટમીમાં લોકસભામાં ચૂંટાયા બાદ રાજ્યસભાના સાંસદપદેથી અમિત શાહ અને સ્મૃતિ ઈરાનીએ રાજીનામા આપ્યા હતા. આ બેઠકો ખાલી થવા સંદર્ભે એક દિવસના અંતરે એક પછી એક નોટિફિકેશન જાહેર થયા અને તેના આધારે ચૂંટણી પંચે એક જ ટર્મની બે બેઠકો માટે એક જ દિવસે બે અલગ અલગ બેલેટ પેપરથી ચૂંટણી જાહેર કરી હતી. કોંગ્રેસે આ ચૂંટણીને સુપ્રિમ પડકારી છે, હાલ કોર્ટે પક્ષકારોને નોટિસ પાઠવેલી છે.