ગુજરાતમાં કોરોનાને અટકાવવા માટે અનલોક 2 જાહેર કરવામાં આવેલું છે જેમાં સ્કૂલો, જિમ સહિત ઘણી વસ્તુઓને ખોલવાની મંજૂરી આપવામાં આવી નથી. કોરોનાને કારણે સ્કૂલો પણ હાલ બંધ છે જેને લઈને હાલ વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. જોકે ત્રણ-ચાર દિવસ પહેલા ઘણી સ્કુલોએ ઓનલાઈન ભણાવવાનું બંધ કરી દીધું છે. જોકે વાલીઓની વારંવાર રજૂઆતો બાદ સોમવારથી એટલે કાલથી ગુજરાતની 16 હજાર ખાનગી સ્કૂલોના 43 લાખ વિદ્યાર્થીઓનું ઓનલાઈન શિક્ષણ ફરી શરૂ કરવામાં આવશે. ફી ભરી હોય કે ન ભરી હોય તમામ વિદ્યાર્થીઓને શિક્ષણ આપવામાં આવશે.


ખાનગી સ્કૂલોને લોકડાઉનને કારણે ફી ન લેવાના સરકારના નિર્ણય સામે સ્કૂલ સંચાલકોએ ઓનલાઈન ક્લાસ બંધ કરી દીધા હતાં. જોકે, સરકાર પણ લડવાના મૂડમાં આવી જતાં સંચાલકોની મીટિંગમાં સોમવારથી ઓનલાઈન ક્લાસ ફરી શરૂ કરવાનો નિર્ણય કર્યો હતો.

સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળના પ્રવક્તા ડો. દિપક રાજ્યગુરુએ જણાવ્યું હતું કે, સરકારના ફીના નિર્ણય સામે અમે કોર્ટમાં ગયા છીએ. લાખો વિદ્યાર્થીઓનું ભવિષ્ય ન બગડે તે માટે અમે સોમવારથી ઓનલાઈન ક્લાસીસ શરૂ કરીશું પરંતુ શિક્ષણ વિભાગની કોઈ કામગીરી કે પરીક્ષામાં સહકાર આપીશું નહીં.

અત્યાર સુધીમાં અમદાવાદની અગ્રણી સ્કૂલોના 70 ટકા વાલીઓએ સ્કૂલની ફી ભરી દીધી છે જ્યારે ઓછી ફી ધરાવતી સ્કૂલોના 20થી 30 ટકા જ વાલીઓએ ફી ભરી હોય તેવું જાણીતા અખબારમાં છપાયેલા અહેવાલ દ્વારા જાણવા મળ્યું છે. વાલીઓએ સ્કૂલ સંચાલકોને જણાવ્યું હતું કે, અમે ફી ભરી છે તો શા માટે અમારા બાળકોનું ઓનલાઈન શિક્ષણ બંધ કર્યું. સરકાર કહેશે તો પણ આ વર્ષે અમારે માસ પ્રમોશન નથી જોઈતું અને ક્લાસ રિપિટેશન પણ નથી જોઈતું, અમારે શિક્ષણ જોઈએ છે. માસ પ્રમોશનમાં શિક્ષણ નબળું રહે છે.

ખાનગી સ્કૂલ સંચાલકોના મંડળ એસોસિએશન ઓફ પ્રોગ્રેસિવ સ્કૂલે સરકારના નિર્ણય સામે 26 જુલાઈએ બપોરે 2થી 6 દરમિયાન ટ્વીટર પર saveourschool હેશટેગ સાથે ઝુંબેશ ચલાવશે.