મહેસાણા: હાલ અરબી સમુદ્રમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને રાજસ્થાનમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે. જેના કારણે ગુરૂવારે ગુજરાતનાં કચ્છ અને ઉત્તર ગુજરાત કરા સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. જોકે ઉત્તર ગુજરાતમાં આજે પણ વરસાદ પડે તેવી સંભાવના છે. વરસાદ બાદ ઠંડીનો પારો પણ ગગડ્યો હતો અને વહેલી સવારથી ઉત્તર ગુજરાતના તમામ જિલ્લામાં ધુમ્મસની ચાદરથી છવાયેલી જોવા મળી હતી.

અમદાવાદમાં પણ ધુમ્મસ છવાયું હતું. ધુમ્મસના કારણે ડીસા અને હિંમતનગર પાસેથી પસાર થતાં નેશનલ હાઈવે તેમજ ઉત્તર ગુજરાતના અન્ય સ્ટેટ હાઈવે પર વાહન ચલાવવા મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો અને વાહનોની લાઈટ ચાલુ રાખવા ફરજ પડી હતી. શિયાળામાં વરસાદને પગલે ઠંડીનો પારો ગગડ્યો છે.

રાજસ્થાનમાં હવાનું હળવું દબાણ સર્જાતાં ગુરૂવારે ઉત્તર ગુજરાતમાં કરા અને ભારે પવન સાથે કમોસમી માવઠું પડતાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતાં. દિયોદરમાં સૌથી વધુ બે ઈંચ વરસાદ નોંધાયો હતો. બનાસકાંઠાના અંબાજી, અમીરગઢ, પાલનપુર, થરા, ધાનેરા, થરાદ, દાંતીવાડા, ડીસા, ભીલડીમાં પણ વરસાદ ખાબક્યો હતો.

પાટણ જિલ્લામાં સિદ્ધપુર, હારિજ, સમી, શંખેશ્વર, રાધનપુર, સાંતલપુરમાં પણ માવઠું પડતાં ખેતરોમાં પાણી ભરાઇ ગયા હતા. મહેસાણા જિલ્લામાં બહુચરાજી પંથકમાં કરા સાથે વરસાદ પડ્યો હતો. જોટાણા, કડી અને મહેસાણામાં વરસાદ પડ્યો હતો. સાબરકાંઠાના પોશીના, ખેડબ્રહ્મા, વડાલી, ઇડર, સાપાવાડા, પ્રાંતિજ, તલોદ અને હિંમતનગરમાં પણ છાંટા પડ્યા હતા. કમોસમી વરસાદથી જીરું, દિવેલા, એરંડા, રાયડામાં ઇયળના ઉપદ્રવની દહેશત છે.