સમગ્ર ગુજરાતમાં ઘણી જગ્યાએ ધોધમાર વરસાદને પગલે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ત્યારે આજથી ગુજરાતમાં વરસાદનું જોર ઘટશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 145 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધુ વરસાદ બનાસકાંઠાના ભાભરમાં નોંધાયો હતો. બનાસકાંઠાના ભાભરમાં 3 ઈંચ વરસાદ ખાબક્યો હતો જેને કારણે ભાભરમાં પાણી ભરાયા હોવાના દ્રશ્યો સર્જાયા હતાં.


છેલ્લા 24 કલાકમાં બનાસકાંઠાના ભાભરમાં 3 ઈંચ વરસાદ ખાબક્યો હતો જ્યારે કચ્છના લખપતમાં પોણા ત્રણ અને વાવમાં અઢી ઈંચ વરસાદ નોંધાયો હતો તો ધાનેરા, દિયોદર, લાખણી, અમીરગઢમાં બે-બે ઈંચ વરસાદ નોંધાયો હતો.

આ ઉપરાંત સુઈગામમાં બે, અંજાર, થરાદ, કાંકરેજમાં પોણા બે ઈંચ વરસાદ પડ્યો હતો અને વિજયનગર અને ડીસામાં દોઢ ઈંચ અને દાંતા અને દાંતીવાડીમાં એક-એક વરસાદ નોંધાયો હતો. વરસાદી ઝાપટાંને કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતાં જ્યારે બનાસકાંઠામાં ભારે વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતાં.

રાજ્યમાં અત્યાર સુધી સીઝનનો 107 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. કચ્છમાં સૌથી વધુ 213.57 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. જ્યારે સૌરાષ્ટ્ર ઝોનમાં 141.35 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. તો દક્ષિણ ઝોનમાં 92.29 ટકા. ઉત્તર ઝોનમાં 92.22 ટકા અને મધ્ય ગુજરાતમાં 80.35 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.

મેઘરાજા મન મૂકીને વરસતા જળાશયોમાં પાણીની સતત આવક થઈ રહી છે. રાજ્યમાં 89 ડેમ નવા નીરથી છલકાઈ ચૂક્યા છે. તો 136 ડેમ છે હાઈએલર્ટ પર છે. જ્યારે 16 ડેમ છે એલર્ટ પર છે. તો સૌરાષ્ટ્રના 140 ડેમમાં 91.52 ટકા પાણીનો જથ્થો છે. તો કચ્છના 20 ડેમમાં 76.17 ટકા પાણીનો જથ્થો છે.

ઉત્તર ગુજરાતના 15 ડેમમાં 49 ટકા પાણીનો જથ્થો છે. તો મધ્ય ગુજરાતના 17 ડેમમાં 81.45 ટકા પાણીનો જથ્થો છે. જ્યારે દક્ષિણ ગુજરાતના 13 ડેમમાં 73.93 ટકા પાણીનો જથ્થો છે અને રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં 69.66 ટકા પાણીનો જથ્થો સંગ્રહિત છે.