અમદાવાદઃ આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવીને ફરી જેલમાં ધકેલી દેવાય એવી શક્યતા છે. ગાંધીનગર ખાતે આવેલા ભાજપના પ્રદેશ કાર્યાલય ખાતે આમ આદમી પાર્ટીના ઇસુદાન ગઢવી સહિતના નેતાઓ અને 500થી વધુ કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કરીને કમલમમાં પ્રવેશ કર્યો હતો.


ભાજપના મહિલા નેતા ડૉ. શ્રધ્ધા રાજપુતે ઇશુદાન ગઢવી પર દારૂ પીને મહિલા કાર્યકરોની છેડતીનો આરોપ મૂક્યો હતો. ઇસુદાન ગઢવીનું બ્લડ સેમ્પલ લઇને એફએસએલમાં મોકલવામાં આવ્યું હતું. આ તપાસમાં ઇશુદાન ગઢવીએ દારૂ પીધો હોવાનું ફલિત થતા ઇન્ફોસીટી પોલીસ મથકે ઇશુદાન ગઢવી સામે ગુનો નોંધાયો છે. પોલીસે આ કેસમાં ઈસુદાનની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે તેના કારણે ઈસુદાન ફરી જેલભેગા થાય એવી શક્યતા છે.  


પેપર લીક મામલે આમ આદમી પાર્ટી  દ્વારા ગત 20 ડિસેમ્બરના રોજ બપોરના સમયે ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં ઇશુદાન ગઢવી,  ગોપાલ ઇટાલીયા, પ્રવિણ રામ,  નિખિલ સવાણી સહિત 500 જેટલા કાર્યકરોએ કમલમમાં ગેરકાયદેસર પ્રવેશ કરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું.


આ મામલે હવે આપ નેતા ઇસુદાન ગઢવીએ પ્રેસ કોન્ફરન્સ કરીને તમામ આરોપોને ફગાવી દીધા છે. ઇસુદાન ગઢવીની પ્રેસ કોન્ફરન્સમાં તેમની વતી કેસ લડનાર વકીલ ઋષિકેશ કુમાર પણ હાજર રહ્યા હતા. આવો જાણીએ કોણ છે દિલ્હીથી ઇસુદાન ગઢવીનો કેસ લડવા આવેલ વકીલ ઋષિકેશ કુમાર.


ઋષિકેશ કુમાર જાણીતા વકીલ છે અન અરવિંદ કેજરીવાલની નજીકના ગણાય છે. 'એડવોકેટ ઋષિ' AAP વર્તુળમાં ઋષિકેશ કુમાર તરીકે વધુ જાણીતા છે, તેઓ દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંક કેજરીવાલની કાયદાકીય સલાહકાર છે.


તેઓ પીસીઆરએફના ભૂતપૂર્વ સભ્ય છે જેમણે આરટીઆઈ સંબંધિત ઘણી બાબતો પર કામ કર્યું હતું, ઋષિકેશ 2009 માં કેજરીવાલના સંપર્કમાં આવ્યા હતા. ત્યારથી, તે માત્ર મુખ્યમંત્રી જ નહીં, પરંતુ તેમની પત્ની સુનિતા કેજરીવાલના પણ કાયદાકીય સલાહકાર છે અને પરિવારના અન્ય સભ્યોના પણ કાયદાકીય સલાહકાર છે.


દિલ્હીની નેશનલ લો યુનિવર્સિટીના સ્નાતક, તેમણે શરૂઆતમાં કેજરીવાલ માટે નજીવા સ્ટાઈપેન્ડ પર કામ કરવાનું શરૂ કર્યું. તેમણે લોકપાલ બિલનો મુસદ્દો તૈયાર કરવામાં પણ મહત્વની ભૂમિકા ભજવી હતી.