અમદાવાદઃ ગુજરાતમાં દિવાળી પછી સ્કૂલો ખોલવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. સૂત્રો અનુસાર 23 નવેમ્બરથી સ્કૂલો શરૂ કરવાની રાજ્ય સરકારની તૈયારી છે. આ માટે વાલીઓને વિકલ્પ આપવામાં આવશે કે તે પોતાના બાળકને સ્કૂલો મોકલવા માગે છે કે ઓનલાઈન જ ભણાવવા માગે છે.


જોકે સ્કૂલો ખોલ્યા બાદ સોશિયલ ડિસ્ટન્સિંગનું ચુસ્ત પાલન કરવાનું રહેશે. માત્ર 50 ટકા હાજરી સાથે જ સ્કૂલો ચાલશે. એટલે કે વિદ્યાર્થીઓને વારાફરતી બોલાવવામાં આવશે. હાલમાં જ રાજ્ય શિક્ષણ વિભાગના ટોચના અધિકારીઓ અને આરોગ્ય વિભાગના અધિકારીઓ વચ્ચે સ્કૂલો શરૂ કરવા બાબતે એક બેઠક મળી હતી.

ધોરણ 6થી 12ના ક્લાસ શરૂ થવાની શક્યતા

શિક્ષણ વિભાગ દ્વારા પ્રથમ તબક્કામાં ધોરણ 6થી લઈને 12 સુધીની સ્કૂલો શરૂ કરશે તેવું સૂત્રોએ જણાવ્યું છે. જોકે ધોરણ.૧થી ૫ના વર્ગો જ્યાં સુધી કોરોનાની સ્થિતિ સાવ થાળે પડી ન જાય ત્યાં સુધી શરૂ કરવામાં નહી આવે.

80 ટકાની હાજર નહીં રહેવું પડે

શિક્ષણ વિભાગના નિયમ પ્રમાણે બાળકની સ્કૂલમાં 80 ટકા હાજરી હોવી ફરજિયાત છે. પરંતુ ચાલુ વર્ષે આ નિયમને અનુસરવામાં નહીં આવે. વિદ્યાર્થીઓને પણ વારા-ફરથી સ્કૂલમા બોલાવવાના હોવાથી ૮૦ ટકા હાજરી શક્ય નથી.

સ્કૂલો શરૂ થવા અંગે સંચાલકો દ્વારા એવો મત રજૂ કરવામાં આવી રહ્યો છે કે, સ્કૂલો શરૂ થાય છે તે આવકારદાયક છે. પરંતુ જો કોઈ વિદ્યાર્થી સંક્રમીત થાય તો તેનો દોષનો ટોપલો સ્કૂલો પર ઢોળવો જોઈએ નહી.