ભાજપે આ ઉપરાંત થીમ ગીત પણ લોન્ચ કર્યું છે અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પ્રચારમાં કેન્દ્રીય નેતાઓને સ્ટાર પ્રચારક તરીકે લાવવાની તૈયારીઓ શરૂ કરી છે. જો કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સ્થાનિક સ્વરાજની ચૂંટમીના પ્રચારમાં નહી આવે તેવુ જાણવા મળ્યુ છે. ખેડૂત આંદોલનમાં વ્યસ્તતા ઉપરાંત બજેટ સત્રના કારણે શાહ ગુજરાત નહીં આવી શકે. શાહ પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં ભાજપના પ્રચારની કમાન સંભાળી રહ્યા હોવાથી પણ ગુજરાત નહીં આવી શકે.
ભાજપે ચૂંટણી પ્રચાર શરૂ કરી દીછો અને મંગળવારે ફોર્મ પાછાં ખેંચવાની પ્રક્રિયા પૂર્ણ થતાં જ ઉમેદવારોને ઝંઝાવતી પ્રચાર કરવા સૂચના આપી દેવામાં આવી છે. ભાજપે ચૂંટણી પ્રચાર માટે થીમ સોન્ગ લોન્ચ કર્યુ છે આ ઉપરાંત વિવિધ સૂત્રો સાથે ચૂંટણી નારો પણ અપાયો છે.
ગુજરાતમાં 11મીથી મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિતના મંત્રી-નેતાઓ ચૂંટણી પ્રચાર શરૂ કરશે. હાલમાં ભાજપની પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠકમાં જિલ્લા અને તાલુકા પંચાયતના ઉમેદવારોની પસંદગીનો દોર ચાલી રહ્યો છે. આ પ્રક્રિયા મંગળવારે પૂરી થશે અને 10મી ફેબ્રુઆરીએ જિલ્લા અને તાલુકા પંચાયતના ઉમેદવારોના નામની જાહેરાત કરાશે.