ઉમેદવારી ફોર્મ ભરવાના છેલ્લા દિવસે કૉંગ્રેસે જેમને મેંડેટ આપ્યો હતો તેવા ઉમેદવારે ફોર્મ ભરવાનો ઈંકાર કરતા પહેલાથી જ સુરતમાં કૉંગ્રેસ તમામ બેઠકો પર ચૂંટણી નથી લડી રહી. તેવામાં અમદાવાદ, રાજકોટ અને જામનગરમાં કૉંગ્રેસના 2-2 ઉમેદવારોના ફોર્મ રદ થયા છે.
રાજકોટમાં વોર્ડ નંબર 1માં ભરત શિયાળે મેંડેટ વગર જ ફોર્મ ભર્યું હતુ આથી તેમનું ફોર્મ રદ કરાયું છે. આ સ્થિતિમાં કૉંગ્રેસને ડમી ઉમેદવારોને આધારે જ ચૂંટણી લડવી પડશે. રાજકોટના વોર્ડ નંબર ચારના નારાયણભાઈ સવસેતા 3 બાળકોના પિતા હોવાનું જાહેર થતા તેમનુ ફોર્મ રદ થયું છે.
નોંધનીય છે કે, 6 મનપાની ચૂંટણી માટે જે ફોર્મ ભરાયા હતા તેમાં અમદાવાદ મનપા માટે 136 ફોર્મ ભરાયા, વડોદરા મનપા માટે 61, જામનગર મનપા માટે 87, રાજકોટ મનપા માટે 231 તો ભાવનગર મનપા માટે શુક્રવારે 52 ફોર્મ ભરાયા. શુક્રવારના વિજય મૂર્હુતમાં એક ડઝન જેટલા ઉમેદવારો વિજય મૂર્હુત ચૂકી ગયા હતાં.
સરદારનગર, નરોડા, કુબેરનગર, સૈજપુર બોઘા, ઈંડિયા કોલોની, ઠક્કરનગર, દરિયાપુર, ખાડિયા, જમાલપુર, અસારવા અને શાહીબાગના ઉમેદવારો વિજય મૂર્હુત જ ચૂકી ગયા હતાં. મૂર્હુત ચૂકી જવા પાછળ પક્ષ તરફથી નિયત સમયે મેંડેટ ન મળતા મોડુ થયું હતું.