ગુજરાતના ખેડૂતોને મફતમાં વીજળી આપવાને લઇને ગુજરાત વિધાનસભામાં સરકારે મહત્વનું નિવેદન આપ્યું હતું. મળતી જાણકારી અનુસાર, ગુજરાત વિધાનસભામાં સરકારે નિવેદન આપ્યું હતું કે ખેડૂતોને વિનામૂલ્યે વીજળી આપવાની કોઈ યોજના નથી. ઉર્જામંત્રી કનુ દેસાઇએ ધારાસભ્ય ઉમેશ મકવાણાને જવાબ આપ્યો હતો. કનુ દેસાઇએ કહ્યું હતું કે ખેડૂતોને ગુજરાતમાં પ્રતિ 40 પૈસા યુનિટ વીજળી મળે છે. 40 પૈસે યુનિટ વીજળી ફ્રી જેવી જ છે. ફ્રીમાં વીજળી આપવાની કોઈ વિચારણા નથી.
અમરેલીના શિયાળબેટના લોકો માટે રાહતના સમાચાર આવ્યા છે. શિયાળબેટમાં થ્રી ફેઝ લાઈનની કામગીરી કરવા ઉર્જામંત્રીએ ખાતરી આપી હતી. ભાજપના ધારાસભ્ય હીરાભાઈ સોલંકીના સવાલ પર ઉર્જામંત્રીએ ખાતરી આપી હતી. હિરા સોલંકીએ કહ્યું હતું કે પાંચ વખત રજૂઆત છતાં હજુ સુધી સિંગલ ફેઝ લાઈટ જ છે. તાઉતે વાવાઝોડા દરમિયાન થ્રી ફેઝ લાઇનનો સામાન દરિયામાં તણાયો હતો. ખેડૂતોના હિતમાં અબડાસાના MLA પ્રદ્યુમનસિંહની ગૃહમાં માંગણી કરવામાં આવી હતી. ખેતરમાં ખેડૂતોને અપાતા વીજ કનેક્શન અંગે માંગણી કરાઇ હતી. નિયમ મુજબ કનેક્શન અપાતું હોવાનો મંત્રીએ જવાબ આપ્યો હતો.
વિધાનસભા અધ્યક્ષે ગૃહમાં ગેરહાજર સભ્યો પર કટાક્ષ કર્યો હતો. ધારાસભ્ય ચૈતર વસાવા અને હાર્દિક પટેલની ગેરહાજરીને લઈ કટાક્ષ કર્યો હતો. અધ્યક્ષે કહ્યું હતું કે આજે વન્યજીવ દિવસ હોવાથી સભ્યો ગેરહાજર લાગે છે. આપણે સૌએ જીવ સંવર્ધન પર ધ્યાન આપવું જોઈએ. બંને સભ્યોના પ્રશ્નોત્તરીમાં પ્રશ્ન હોવા છતાં ગેરહાજર રહેતા કટાક્ષ કરાયો હતો.