ગુજરાત હાઈકોર્ટે એડવોકેટ જનરલને ભારપૂર્વક કહ્યું હતું કે સરકાર લોકોના નિરાશ થવાની ચિંતા ન કરે. લોકો 1 વર્ષ પછી પણ તહેવાર ઉજવી શકે છે. ઉત્તરાયણ દરમિયાન કોરોના સંક્રમણ વધુ ન ફેલાય તે માટે જરૂરી નિર્દેશ જારી કરવામાં આવે તેવી માંગ કરતી જાહેરહિતની અરજી પર સમયના અભાવે સુનાવણી થઈ શકી નહીં પરંતુ 8મી જાન્યુઆરીના રોજ સાંભળવામાં આવશે. હાઈકોર્ટે આ મુદ્દે એડવોકેટ જનરલને સરકાર પાસેથી નિર્દેશ લેવાનો આદેશ કર્યો છે. ઉલ્લેખનીય છે કે દિવાળીના તહેવારો દરમિયાન મોટી સંખ્યામાં લોકો ભેગા થતાં કોરોના વિસ્ફોટ થયો હતો.
નાઈટ કરફ્યુ મુદ્દે રાજ્ય સરકાર વતી એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ હાઈકોર્ટમાં જણાવ્યું હતું કે હાલ નાઈટ કરફ્યુ 31મી ડિસેમ્બર સુધી લાગુ કરવાની સૂચના છે, જોકે તેને લંબાવવામાં આવશે તેવી પુરી શકયતા છે. નાઈટ ફરફ્યુ ખાસ લંબાવવા મુદ્દે આગામી 24 કલાકમાં કોર કમિટીની બેઠકમાં નિણર્ય લેવામાં આવશે.
રાજ્યમાં કોરોના સંક્રમણની પરિસ્થિતિને ધ્યાને લઈને સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્કના નિયમોનુ પાલન ન કરવા બદલ લોકો પાસેથી 2.46 કરોડનો દંડ વસૂલાયો છે. રાજ્યમાં છેલ્લા 10 દિવસમાં કુલ 1,13,366 લોકોની સામે કુલ 4667 ગુના દાખલ કર્યા હતા. તેમજ કુલ 8034 વાહનો જપ્ત કર્યા હતા એક સપ્તાહમાં કુલ 88,593 વ્યકિતઓ સામે જાહેરનામા ભંગના કુલ 3,832 ગુના દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે કરફયુ ભંગ બદલ તથા એમ.વી.એકટ 207 ની જોગવાઈઓના ભંગ બદલ 6,063 વાહનો જપ્ત કરવામાં આવ્યા છે. જાહેરનામાના ભંગ બદલ 8,536 વ્યકિતઓની ધરપકડ કરવામાં આવી છે.