Gujarat Weather: રાજ્યભરમાં ફરી એકવાર ડિસેમ્બરની ઠંડીનો અનુભવ શરૂ થયો છે. બેવડી ઋતુ વચ્ચે સવારમાં ઠંડીનો ચમકારો શરૂ થઇ ગયો છે. આજે રાજ્યમાં 11.9 ડિગ્રી સાથે દાહોદ સૌથી ઠંડી શહેર બન્યુ છે. આ ઉપરાંત અમદાવાદમાં 15.8 ડિગ્રી સાથે તાપમાનનો પારો ગગડ્યો છે. રાજ્યમાં રાજકોટ, વડોદરા, ગાંધીનગર સહિતના શહેરોમાં ઠંડીનો ચમકારો શરૂ થયો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આગામી દિવસોમાં ઠંડીનું જોર વધી શકે છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં લધુતમ તાપમાનમાં ફેરફારના જોવા મળી રહ્યો છે. ઠંડીનું જોર ફરી એકવાર વધ્યુ છે. તાજા અપડેટ પ્રમાણે, આજે 11.9 ડિગ્રી સાથે દાહોદ સૌથી ઠંડુ શહેર બન્યુ છે. આ ઉપરાંત અમદાવાદમાં તાપમાનનો પારો 15.8 ડિગ્રી નોંધાયો છે, વડોદરામાં 14 ડિગ્રી તાપમાન, અમરેલીમાં 15 ડિગ્રી તાપમાન, ભુજમાં 15.4 ડિગ્રી તાપમાન, ડાંગમાં 14.5 ડિગ્રી તાપમાન, રાજકોટમાં 16.4 તાપમાન, ગાંધીનગરમાં 15.7 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. મહત્વનું છે કે, આગામી 11 ડિસેમ્બર સુધી રાજ્યમાં હવામાન સુકૂ રહેવાની વકી છે.
હાલમાં ઉત્તર ભારતમાં તીવ્ર શીતલહેરની શરૂઆત છે. જેના કારણે જમ્મુ કાશ્મીર, હિમાચલ સહિતના વિસ્તારમાં કાતિલ ઠંડીનું મોજુ ફરી વળ્યુ છે. શોપિયા 6.4 ડિગ્રી તાપમાન સાથે ઠંડુગાર બન્યુ છે, જ્યારે દિલ્લીનું લઘુતમ તાપમાન 6.8 ડિગ્રી સુધી પહોંચ્યુ છે.
ડિસેમ્બરમાં માવઠુંઃ આગામી 17 થી 24 વચ્ચે ગુજરાતમાં કમોસમી વરસાદની અંબાલાલની આગાહી
ગુજરાતમાં અત્યારે બેવડી ઋતુ ચાલી રહી છે, ધીમે ધીમે રાત્રિના સમયે અને સવારના સમયે શિયાળાની ઠંડી અનુભવાઇ રહી છે. ડિસેમ્બરમાં ફરી એકવાર ગુજરાતમાં માવઠુ થવાની પુરેપુરી શક્યતા છે. ગુજરાતમાં ભરશિયાળે માવઠુ થશે, રાજ્યમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવવાનો છે. આગાહીકાર અને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે તાજેતરમાં જ આગાહી કરી છે કે, આગામી 17 ડિસેમ્બરની આસપાસ રાજ્યમાં હળવા માવઠાની શક્યતા છે, જ્યારે 18 થી 24 ડિસેમ્બર દરમિયાન રાજ્યમાં માવઠું થવાની શક્યતા છે. 18 થી 24 ડિસેમ્બર એક મજબૂત પશ્ચિમી વિક્ષેપ આવતા અને બંગાળના ઉપસાગરમાં આ આરસામાં એક ડિપ્રેશન બનશે. તેના ભેજની અસરના કારણે અને અરબી સમુદ્રમાં હળવા ભેજના કારણે મજબૂત પશ્ચિમી વિક્ષેપના કારણે એક સાયક્લોનિક સર્ક્યુલેશન બનશે. જેથી ફરીથી ડિસેમ્બરના મધ્યમાં ગુજરાતમાં માવઠું થવાની શક્યતા રહેશે. અંબાલાલ પટેલે ખેડૂતોને સલાહ આપતા કહ્યું કે, માવઠાને લઈને કેટલા પાકો પર વિપરીત અસર થઈ શેક છે. ખાસ કરીને જીરા જેવા પાકો, મસાલાના પાકોમાં રોગ આવવાની શક્યતા દેખાઈ રહી છે. તુવેર જેવા પાકોમાં પણ અને કપાસ જેવા પાકોમાં માવઠાની અસર થઈ શકે છે.