અમદાવાદ: રાજ્યમાંથી ચોમાસાની વિદાયનો પ્રારંભ થઈ ગયો છે. પરંતુ જતાં જતાં મેઘરાજા ધરતીપુત્રોની મુસીબત વધારી રહ્યા છે. આસો મહિનો અડધો પૂરો થઈ જવા આવ્યો હોવા છતાં રાજ્યાના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. જેના કારણે ખેડૂતોના પાકને નુકસાન થઈ રહ્યું છે.

અમરેલી જિલ્લાના ખાંભા, રાજુલા સહિત ગીરના ગ્રામ્ય પંથકમાં ગઈકાલે ધોધમાર વરસાદ પડ્યો હતો. દશેરા બાદ પણ અવિરત વરસાદ રહેતા મગફળી, કપાસ સહિતના પાકને નુકસાન પહોંચ્યું છે. ખાંભા પંથકમાં ધોધમાર વરસાદ પડતા ખેતરોમાં પાણી ભરાઈ જવાના કારણે ઉભો પાક ઢળી પડ્યો હતો. થોડા દિવસના વિરામ બાદ વરસાદ શરૂ થતાં ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે. થોડા દિવસથી વરસાદે વિરામ લેતા ખેડૂતોએ કપાસ, મગફળી ખેતરમાંથી ઉપાડવાનું શરૂ કર્યું હતું.

ગુજરાતમાં આ વખતે મોસમનો 141.95 ટકા વરસાદ નોંધાયો છે. ચાલુ વર્ષનું ચોમાસુ છેલ્લા 58 વર્ષનું સૌથી લાંબુ ચોમાસું રહ્યું છે. રાજ્યમાં 15 નવેમ્બરથી શિયાળો શરૂ થવાની શક્યતા છે. આગામી દિવસોમાં ડબલ સીઝન અનુભવાશે. હાલ પણ વહેલી સવારે ઠંડી અને બપોરે આકરી ગરમીનો અનુભવ લોકો કરી રહ્યા છે.