થરાદઃ લોક ગાયિકા કાજલ મહેરીયા આજે એક કેસમાં થરાદ પોલીસ મથકે હાજર થઈ હતી. જોકે, આ કેસમાં તેને જામીન પર મુક્ત કરતાં તેણે હાશકારો અનુભવ્યો હતો. જોકે, પોલીસ સ્ટેશનમાંથી બહાર નીકળતા મીડિયાને જોતા સીધી રવાના થઈ ગઈ હતી. મીડિયા સામે ત્રાસી નજરે જોયું હતું, પરંતુ તે ઉભા રહ્યા વગર કારમાં બેસીને પોલીસ સ્ટેશનથી નીકળી ગઈ હતી.




આ અંગેની વિગતો એવી છે કે, ગુજરાતી સિંગર કાજલ મહેરીયાએ કોરોના મહામારી વચ્ચે તાલુકાના કેશર ગામે લગ્ન પ્રસંગમાં યોજાયેલી પાર્ટીમાં હાજરી આપી હતી. દાંડિયા રાસમાં ગીતો ગાઈને લોકોની ભીડ એકઠી કરતાં ગુનો નોંધાયો હતો. જીલ્લા મેજિસ્ટ્રેટ જાહેરનામાનું ઉલ્લંઘન કરતાં પોલીસે કાજલ મહેરીયા તેમજ લગ્ન આયોજક સામે ગુનો નોંધ્યો હતો.



188, 269 તેમજ 51 બી મુજબ ગુન્હો નોંધાતાં કાજલ મહેરિયાને પોલીસ મથકે આવવાનો વારો આવ્યો હતો. 29 નવેમ્બરના રોજ રાત્રીના સમયે દાંડિયા રાસ પાર્ટી યોજાઈ હતી. 16 ડિસેમ્બરે પોલીસને જાણ થતાં ગુનો નોંધવામાં આવ્યો હતો. લોક ગાયિકા કાજલ મહેરીયા જામીન પર મુક્ત થતાં હાશકારો અનુભવ્યો હતો. જામીન પર છુટકારો મળતાં લોક ગાયિકા વિલા મોઢે તેઓની ગાડી તરફ ભાગી હતી.