વલસાડ: ઉતાવળમાં બસમાં ચઢવાની લ્હાયમાં એક મહિલાએ જીવ ખોયો છે. આ ઘટના બની છે વલસાડ ખાતે. અહીં એસટી ડેપો ખાતે બસ નીચે આવી જતા મહિલાનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. ઘટનાને પગલે વલસાડ સીટી પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.


વલસાડના એસટી ડેપો ખાતે આજરોજ વલસાડ પાટી વલસાડ એસટી બસ પ્લેટફોર્મ પર આવી રહી હતી જેને લઈને સેગવીના સુમિત્રા બેન હળપતિ આ બસમાં ચઢવા માટે જતા બસના આગળ ટાયરમાં આવી જતા સ્થળ પર જ મહિલાનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. ઘટનાને પગલે વલસાડ એસટી ડેપો મેનેજર સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. સમગ્ર મામલે સીટી પોલીસને જાણ કરતા પોલીસ દ્વારા સ્થળ પર આવી લાશનો કબજો લઈ વધુ તપાસ હાથ ધરી હતી. આ ઉપરાંત ડ્રાઈવર વિરુદ્ધ ગુનો દાખલ કરવાની તજવીજ શરુ કરવામાં આવી છે.


 સ્વયં પર ફાયરીંગ કરી મોતને વ્હાલુ કર્યાની ઘટના સામે આવી છે અરવલ્લી વિસ્તારમાં. ભિલોડાના મલાસામાં આર્થિક સંકડામણના કારણે આધેડે આત્મહત્યા કરી લીધી છે. મરતા પહેલા આધેડે વીડિયો બનાવ્યો હતો અને સ્યુસાઈડ નોટ પણ લખી હતી.


કોઈપણ માણસ પોતે વેપાર માટે કે અન્ય કોઈ વ્યવસાય માટે નાણાનું રોકાણ કરતા હોય છે, પરંતુ જો વેપારમાં નિષ્ફળતા મળે અથવા કોઈ વ્યક્તિ દગો કરે ત્યારે આર્થિક તંગી વર્તાતા જીવનનું અંતિમ પગલું ભરવાના ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે. આવો જ એક કિસ્સો ભિલોડામાં સામે આવ્યો છે.ભિલોડા પાસે આવેલા મલાસાના વતની મલાસા ઠાકોર અને અરવલ્લી જિ.પં. પૂર્વ પ્રમુખના ભાઈ વિજયસિંહ ચૌહાણ ભિલોડામાં રિયલ એસ્ટેટ અને અન્ય વ્યવસાય સાથે સંકળાયેલા હતા. 


તેઓએ તાજેતરમાં ભિલોડા ખાતે 6 દુકાનોવાળું એક કોમ્પ્લેક્ષ બનાવ્યું હતું. છેલ્લા કેટલાક સમયથી આ કોમ્પ્લેક્ષની દુકાનો વેચાતી નહોતી. આથી તેઓએ પોતાની જ દુકાનમાં સ્વયં પર ફાયરીંગ કરી મોતને વ્હાલુ કર્યું હતુ. તેમની સ્યુસાઈડ નોટ મુજબ કોઈપણ વ્યક્તિ તેમની દુકાન ખરીદવા આવે તો તેમના વિરોધીઓ ગ્રાહકોને પાછા કાઢતા હતા. આવો આક્ષેપ તેઓએ આત્મહત્યા કરતા અગાઉ પોતાના વીડિયો નિવેદનમાં જણાવ્યા હતા. તેઓએ સ્યુસાઈડ નોટમાં પણ પોતાના સાથે કોણે કોણે દગો કર્યો અને તેમની મિલકત કોને આપવી આ બધો ઉલ્લેખ કર્યો છે. 


આ સમગ્ર બાબતે મૃતકના ભાઈ દ્વારા પણ આર્થિક સંકડામણને લઈ આત્મહત્યા કરી હોવાનું જણાવ્યું છે. જો કે સાચી હકીકત પોલીસ તપાસ બાદ ખ્યાલ આવે તેમ છે. સમગ્ર મામલે ભિલોડા પોલીસે આત્મહત્યાનો ગુનો નોંધી  વધુ તપાસ હાથ ધરી છે. સાથે જ મૃતદેહને પીએમ માટે ખસેડાતા સમયે બે ગોળી ખુદને મારી હોવાનું જણાયું હતું.