વલસાડ: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષામાં પૈસા લઈને પાસ કરાવી આપવાનું કહી વલસાડના મહિલા પોલીસકર્મીએ લાખો રુપિયાની છેતરપિંડી કરી હતી. હવે પોલીસ દ્વારા આ મહિલા પોલીસકર્મીની ધરપકડ કરવામાં આવી છે. આરોપી પોલીસ કોન્સ્ટેબલ વૈશાલી પટેલ અને આશિષ પટેલની પોલીસે ધરપકડ કરી છે. પોલીસ દ્વારા બંને આરોપીની ધરપકડ કરી એક દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા છે. આરોપીઓ પોલીસ કર્મચારી હોય ફરિયાદીઓની તટસ્થ તપાસની અપેક્ષા છે.
વલસાડ ખાતે મહિલા પોલીસ કર્મચારી અને અન્ય એક સાગરીત દ્વારા સરકારી નોકરી અપાવવાના બહાને 28 લાખની છેતરપિંડીની ફરિયાદ વલસાડ સીટી પોલીસ મથકે નોંધાઇ હતી. વલસાડ પોલીસ દ્વારા ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. રાજ્ય સરકારની ગૌણ સેવા પસંદગી મંડળની યોજાતી પરીક્ષાઓમાં પાસ કરાવી સરકારી નોકરી આપી દેવાની લાલચ આપી યુવકો પાસેથી રૂપિયા 28 લાખથી વધુની છેતરપિંડી કરી હોવાની એક ફરિયાદ વલસાડ સીટી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી આ ફરિયાદમાં વલસાડ પોલીસ વિભાગમાં ફરજ બજાવતી એક મહિલા પોલીસકર્મી વૈશાલી અને તેના અન્ય સાગરીત આશિષ પટેલ વિરુદ્ધ નામ જોગ ફરિયાદ દાખલ થઇ હતી.
અત્યાર સુધીની તપાસમાં મહિલા આરોપી અને તેના સાગરીતે વલસાડ જિલ્લાના પાંચથી વધુ યુવકોને ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષાઓમાં પાસ કરાવી સરકારી નોકરી અપાવી દેવાની લાલચ આપી હતી. આ યુવકો પાસેથી રૂપિયા ત્રણ લાખથી પાંચ લાખ સુધીની ઉઘરાણી કરી હતી. જોકે યુવકોને નોકરી નહીં લાગતા આખરે મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો. પોલીસે આ મામલે વૈશાલી અને આશિષ પટેલ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી.
નોકરી અપાવી દેવાની લાલચ આપી હતી
આ બનાવની વિગત મુજબ વલસાડના એક યુવકે વલસાડના સોનવાળા વિસ્તારમાં રહેતી અને પોલીસ વિભાગમાં ફરજ બજાવતી વૈશાલી અને તેના સાગરીત આશિષ પટેલ વિરૂધ રૂપિયા પાંચ લાખની છેતરપિંડીની ફરિયાદ દાખલ કરાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ આરોપી મહિલા વૈશાલી ફરિયાદીના દૂરના માસી હતા. જેમણે તેમની ગાંધીનગર સુધી લાઈન હોવાનું જણાવી સરકારી નોકરીની પરીક્ષાઓમાં પાસ કરાવ નોકરી અપાવી દેવાની લાલચ આપી હતી . બદલામાં રૂપિયા પાંચ લાખની એડવાન્સ માગ કરી હતી. નોકરી મળ્યા બાદ વધુ રકમ આપવી પડશે તેવું જણાવ્યું હતું. જો કે ફરિયાદીએ આરોપીને અને તેના સાગરીતને રૂપિયા પાંચ લાખ રોકડા આપ્યા હતા. જો કે પરિણામ આવ્યા બાદ પણ પોતાને નોકરી નહીં લાગતા પૈસા પરત માગતા પૈસા પરત આપવા આનાકાની કરતા આખરે મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો.