દાહોદ: વિશ્વ આદિવાસી દિન નિમિતે આજે દેશભરમાં આદિવાસી સમાજ દ્વારા વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે દાહોદ ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની ઉપસ્થિતીમાં આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ગોલ્ડન ગર્લ સરીતા ગાયકવાડ પણ ઉપસ્થિત રહી હતી. અહીં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના અગ્રણીઓ અને પ્રજાજનો ઉપસ્થિત રહ્યાં હતા.

સીએમ રૂપાણીએ આ કાર્યક્રમ દરમિયાન કહ્યું કે આદિજાતિના નાગરિકોને આરોગ્ય, અદ્યતન શિક્ષણ, પાણી, રસ્તા સહિતની ભૌતિક સુવિધાઓ અને વિકાસના કામો માટે રાજ્ય સરકારે બજેટમાં આદિજાતિ વિકાસ કામો માટે રૂપિયા 2481 કરોડ ફાળવ્યા છે.


આ સિવાય મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અંબાજીથી ઉમરગામ સુધીના સમગ્ર આદિવાસી વિસ્તારના 14 જિલ્લાના 53 તાલુકાઓના સર્વાંગી વિકાસની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. તેઓએ આદિવાસી વિસ્તારમાં સૈનિક શાળાઓ શરૂ કરવાનું આયોજન રાજ્ય સરકારનું હોવાનું પણ જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે દર વર્ષે 9મી ઓગસ્ટે વિશ્વ આદિવાસી દિનની ઉજવણી કરવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા વર્ષ 1993માં 9મી ઓગષ્ટે વિશ્વ આદિવાસી દિવસ તરીકે નક્કી કરવામાં આવ્યો હતો. સમગ્ર વિશ્વના આદિવાસીઓ આ દિનની ઉજવણી હર્ષો ઉલ્લાસથી કરવામાં આવે છે.