Gujarat Weather: રાજ્યમાં હજુ પણ વરસાદનું જોર વધશે. આ આગાહી હવામાન વિભાગે કરી છે. હવામાન વિભાગના અનુસાર, વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે અને ચોથી તારીખથી ધોધમાર વરસાદ પડશે. આજે અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, કચ્છ, આણંદ, બનાસકાંઠા, પંચમહાલ, સાબરકાંઠા, સુરત, ભરૂચ અને વડોદરામાં વરરસાદની આગાહી કરવામાં આવી છે. તો આવતીકાલે અરવલ્લી, સાબરકાંઠા, વડોદરા, ભરૂચ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, રાજકોટ અને કચ્છમાં માવઠું પડશે. હવામાન વિભાગના મતે કમોસમી વરસાદની સાથે 30 થી 40 કિમીની ઝડપે પવન ફૂંકાશે.


વલસાડમાં ભારે વરસાદ


વલસાડ શહેરના તિથલ રોડ કચેરી રોડ તિથલ વિસ્તાર કોલેજ કેમ્પસ વિસ્તાર મોટા બજાર વિસ્તારમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ઉનાળામાં ભર ચોમાસા જેવી સ્થિતિ છે. અચાનક વરસાદને લઈને વાતાવરણમાં પલટો આવ્યો છે. વરસાદ પડવાને લઈને ખેડૂતોને ભારે નુકસાન થયું છે. હાલ ખેડૂતો કેરી પાડવાની તૈયારી કરી રહ્યા છે.


સમગ્ર દેશનું વાતાવરણ (India Weather)


સોમવારે સમગ્ર દેશમાં હવામાનની સ્થિતિ ખૂબ જ ખુશનુમા રહી હતી. વરસાદના ઝાપટાથી દિવસની આકરી ગરમીમાંથી રાહત મળી હતી. આ સાથે જ હવામાન વિભાગ દ્વારા આગામી દિવસો માટે હવામાનને લઈને કરાયેલી આગાહી પણ રાહત આપનારી છે. હવામાન વિભાગે મંગળવારે (2 મે) સમગ્ર દેશમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરી છે. આ સાથે વિભાગે આગામી 5 દિવસમાં મહત્તમ તાપમાનને લઈને રાહતની આગાહી કરી છે. આગામી 5 દિવસમાં મહત્તમ તાપમાન સામાન્યથી નીચે રહેવાની અથવા સામાન્ય રહેવાની સંભાવના છે.


વરસાદી ઝાપટાએ આપી રાહત


રવિવાર (30 એપ્રિલ)ની જેમ સોમવારે પણ હવામાન વરસાદી રહ્યું હતું.  દેશમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. અરુણાચલ પ્રદેશ, પશ્ચિમ બંગાળ અને સિક્કિમ, ઉત્તરાખંડ, વિદર્ભ, છત્તીસગઢ, તેલંગાણા, આસામ અને મેઘાલય, હિમાચલ પ્રદેશમાં ઘણી જગ્યાએ વરસાદ પડ્યો હતો.


બીજી તરફ ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત પ્રદેશ, કેરળ, દરિયાકાંઠાના આંધ્ર પ્રદેશ અને યનમ, લક્ષદ્વીપ, હરિયાણા, ચંદીગઢ અને દિલ્હી, ઓડિશા, ઝારખંડ, બિહારના  કેટલાક સ્થળોએ વરસાદે પણ ગરમીમાંથી રાહત આપી હતી.  બીજી તરફ, તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલ અને પંજાબ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરા, સૌરાષ્ટ્ર અને કચ્છ, મધ્ય મહારાષ્ટ્ર, મરાઠવાડા અને કોંકણ અને ગોવામાં અલગ-અલગ સ્થળોએ ભારે વરસાદ વરસ્યો હતો.