ગાંધીનગરઃ ગુજરાતની વિજય રૂપાણી સરકારે રાજ્યના હોટલ- રેસ્ટોરન્ટ ઉદ્યોગને મોટી રાહત આપતો નિર્ણય લીધો છે. રૂપાણી સરકારે જાહેરાત કરી છે કે, ગુજરાતમાં રાતે 10 વાગ્યા પછી પણ હોટલ- રેસ્ટોરન્ટમાંથી ફૂડ ડિલિવરી થઈ શકશે. આ રીતે ડીલિવરી કરનારને પોલીસ કે અન્ય કોઈ પણ સત્તાધિકારી રોકીશકશે નહીં.


ગુજરાત હોટેલ્સ- રેસ્ટોરન્ટ એસોસિયેશનની માંગણી બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ નિર્ણય કરતાં રાજ્યના હોટલ- રેસ્ટોરન્ટ ઉદ્યોગને રાહત થઈ છે. આ ઉપરાંત મોડી રાત સુધી કામ કરીને જમવાનું શોધતા પ્રોફેશનલ્સ માટે પણઆ સમાચાર રાહતના છે.

ગૃહ વિભાગના ઉપસચિવ પંકજ દવેની સહીથી સોમવારે પ્રસિધ્ધ કરાયેલા હુકમમાં જણાવાયુ છે કે, 1 ઓગસ્ટથી રાત્રિ કરફ્યૂ નથી. કન્ટેનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં કેન્દ્ર સરકારની માર્ગદર્શક સૂચનાઓ અનુસાર નિયત પ્રવૃત્તિ ચાલુ રાખવા નિર્ણય લેવાયો છે. આ નિર્ણય અનુસાર હોટલ અને રેસ્ટોરન્ટ્સ રાત્રીના 10 કલાક સુધી ખુલ્લા રાખવાની જોગવાઈ કરવામાં આવી આવી છે. પુખ્ત વિચારણાને અંતે રાજ્યમાં હોટલ અને રેસ્ટોરન્ટને ટેક અવે (પાર્સલ સર્વિસ) પૂરી પાડવા માટે સમયની અવધિ દૂર કરવામા સરકારે નિર્ણય કર્યો છે.

આ નિર્ણયથી રાજ્યમાં હોટલ- રેસ્ટોરા આખી રાત પોતાને ત્યાંથી ફૂડ ડિલિવરી કરી શકશે. આ આદેશનો અમલ હુકમ પ્રસિદ્ધ થતાંની સાથે જ 17 ઓગસ્ટ ને સોમવારથી શરૂ થયો છે.અગાઉ મોડી રાત સુધી પાર્સલ સર્વિસ સંદર્ભે કોઈ સ્પષ્ટતા ન હોવાથી અમદાવાદ જેવા શહેરોમાં હોટલ- રેસ્ટોરન્ટ અને મોડી રાતે જમવાનું શોધતા ગ્રાહકોને પોલીસ દ્વારા કનડગત થતી હતી. આ નિર્ણયથી ખાણીપીણી ઉદ્યોગ અને રોજગારીને પણ ભારે રાહત થશે.