New Year 2023: નવા વર્ષ નિમિતે લોકો પરિવાર અને મિત્રો સાથે ઉજ્જૈન મહાકાલ મંદિરમાં દર્શન માટે પહોંચ્યા હતા. ત્યાં ભક્તોએ મહાકાલના દર્શન કરી તેમના આશીર્વાદ લીધા અને નવા વર્ષના પ્રથમ દિવસની શરૂઆત કરી.


2023નું આગમન થઇ ગયું છે. દેશ અને દુનિયાના તમામ દેશોમાં લોકોએ પોતપોતાની રીતે નવા વર્ષનું સ્વાગત કર્યું. દેશના તમામ મંદિરોમાં વિશેષ પ્રાર્થના સાથે નવા વર્ષનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ઘણી જગ્યાએ લોકોએ મોડી રાત સુધી પાર્ટી અને ડાન્સ કરીને નવા વર્ષની શરૂઆત કરી હતી. આ માટે લોકોએ ખાસ વ્યવસ્થા કરી હતી તો બીજી તરફ નવા વર્ષના પહેલા દિવસે જ દિલ્હીના લોકોને ભૂકંપનો સામનો કરવો પડ્યો હતો.


મહાકાલની ભસ્મ આરતી સાથે નવા વર્ષનું સ્વાગત






મધ્યપ્રદેશનું ઉજ્જૈન મહાકાલની નગરી તરીકે પ્રખ્યાત છે. નવા વર્ષ નિમિત્તે મહાકાલના આશીર્વાદ લેવા મોટી સંખ્યામાં ભક્તો પહોંચ્યા હતા. લોકોએ પરિવાર અને મિત્રો સાથે મહાકાલના દર્શન કર્યા અને તેમના આશીર્વાદ લઈને નવા વર્ષના પ્રથમ દિવસની શરૂઆત કરી. મહાકાલેશ્વર મંદિરમાં રોજની ભસ્મ આરતીમાં મોટી સંખ્યામાં ભક્તોએ ભાગ લીધો હતો.


મુંબઈના સિદ્ધિ વિનાયક મંદિરમાં વિશેષ આરતી






તે જ સમયે, દેશની આર્થિક રાજધાની મુંબઈમાં સ્થિત સિદ્ધિ વિનાયક મંદિરમાં નવા વર્ષના પ્રથમ દિવસે આરતી કરવામાં આવી હતી. આ પ્રસંગે મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.


દિલ્હીમાં નવા વર્ષનું સ્વાગત






દેશની રાજધાની દિલ્હીમાં પણ નવા વર્ષનું જોરશોરથી સ્વાગત કરવામાં આવ્યું હતું. દિલ્હીના કનોટ પ્લેસમાં લોકોએ ગીતો અને નૃત્ય કરીને નવા વર્ષનું સ્વાગત કર્યું. આખા કનોટ પ્લેસમાં લોકો અલગ-અલગ ગ્રુપમાં ડાન્સ કરતા જોવા મળ્યા હતા. સુરક્ષાના દૃષ્ટિકોણથી કનોટ પ્લેસના વિસ્તારમાં ટ્રાફિકને પ્રતિબંધિત કરવામાં આવ્યો હતો. આ પછી પણ મોટી સંખ્યામાં લોકો ત્યાં પહોંચ્યા અને નવા વર્ષની ઉજવણી કરી. કનોટ પ્લેસમાં નવા વર્ષનું સ્વાગત કરનારાઓમાં યુવાનોની સંખ્યા વધુ હતી. નવા વર્ષને આવકારવા માટે કનોટ પ્લેસ સ્થિત હોટલ અને રેસ્ટોરન્ટમાં ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી.


હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુએ શિમલાના ઐતિહાસિક રિજ ગ્રાઉન્ડમાં નવા વર્ષનું સ્વાગત કર્યું. તેઓ રિજ ગ્રાઉન્ડ પર પહોંચ્યા અને સ્થાનિક લોકો અને પ્રવાસીઓને મળ્યા અને નવા વર્ષ 2023 માટે શુભેચ્છા પાઠવી. તેમણે લોકોને નવા વર્ષની ઉત્સાહ અને એકતા સાથે ઉજવણી કરવા અપીલ કરી હતી.