મુંબઈ: મુંબઈમાં શુક્રવારે મોડી રાત્રે ભારે વરસાદ થતાં રસ્તાઓ પર પાણી ભરાઈ ગયું છે જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વાહનવ્યવહાર અને ટ્રેનો પણ પ્રભાવિત થઈ છે. હવામાન વિભાગ અનુસાર શનિવાર અને રવિવારે પણ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આ ઉપરાંત હવામાન વિભાગે મહારાષ્ટ્રના રત્નાગિરી અને સિંધુદુર્ગ જિલ્લામાં પણ 3 દિવસ સુધી ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. જેના કારણે મુંબઈ સહિત આસપાસના વિસ્તારોમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવી છે.




જ્યારે મુંબઈના પાલઘરમાં વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે અને ઘરો પણ ડૂબી ગયા છે. ભારે વરસાદના કારણે પાલઘરમાં શાળા-કોલેજો બંધ રાખવામાં આવી છે. થાણા વિસ્તારમાં પણ તમામ સરકારી શાળાઓ બંધ રાખવામાં આવી છે. મુંબઈના મલાડ વિસ્તાર પણ સતત વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું છે.


ભારે વરસાદના કારણે મુંબઈ એરપોર્ટથી 10 ફ્લાઇટ્સ રદ્દ કરવામાં આવી છે. ટ્રેનો પણ મોડી ચાલી રહી છે. આ સિવાય મુંબઈના અંધેરી વિસ્તારમાં પણ પાણી ભરાવાથી અંધેરી સબવે બંધ કરવામાં આવ્યો છે.



હવામાન વિભાગના જણાવ્યા મુજબ, ગુજરાત, કોંકણ, ગોવા, જમ્મુ-કાશ્મીર, પંજાબ, હરિયાણાના અલગ-અલગ ભાગોમાં 2 ઓગસ્ટે ભારે વરસાદ પડી શકે છે.