Himachal pradesh News:હિમાચલ પ્રદેશના ચંબા જિલ્લાના ટીસામાં આજે સવારે 9.30 વાગ્યે એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો. ટીસાથી બૈરાગઢ રોડ પર જતી બોલેરો ખીણમાં ખાબકતા બોલેરોમાં સવાર 6 પોલીસ જવાન સહિત 7 લોકોના મોત થયા છે. બોલેરો સ્લિપ થતાં 300 મીટર ઊંડી ખીણમાં પડી હતી. આ અકસ્માતમાં 6 પોલીસ કર્મચારીઓ સહિત 7ના મોત થયા છે, જ્યારે 5 લોકો ઘાયલ થયા છે.
ઘાયલોને ટીસા હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. મળતી માહિતી મુજબ બોલેરોમાં 9 પોલીસ કર્મચારી અને 2 સ્થાનિક લોકો સવાર હતા. મળતી માહિતી મુજબ 2-IRBn બટાલિયનના પોલીસ કર્મચારીઓ બોલેરોમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા. આ દરમિયાન બોલેરો સ્લિપ થઇ જતાં ખીણમાં ગબડી પડતાં આ ભંયકર દુર્ઘટના સર્જાઇ હતી.આ અકસ્માત તરવાઇ પુલ પાસે સર્જાયો હતો. બોલેરો નીચે ખાબકતા કેટલાક લોકો બહાર ફેંકાઇ ગયા હતા જેના કારણે પણ લોકોને ગંભીર ઇજા પહોંચી છે.
PWD અધિકારીઓની બેદરકારીને કારણે અકસ્માત થયોઃ હંસરાજ
સ્થાનિક ધારાસભ્ય હંસરાજે અકસ્માત માટે પીડબલ્યુડી અધિકારીઓને જવાબદાર ઠેરવ્યા હતા. તેમણે કહ્યું કે વારંવાર વિનંતી કરવા છતાં ટેકરી હટાવવામાં આવી નથી. જેના કારણે આજે આ અકસ્માત સર્જાયો હતો.તેમણે વિભાગના એક્ઝિક્યુટિવ એન્જિનિયર સામે એફઆઈઆર નોંધવાની માંગ કરી છે. હંસરાજે દાવો કર્યો કે તેણે આ રસ્તો બંધ કરાવી દીધો હતો, પરંતુ સરકારે તેને ફરીથી ખોલી દીધો.
સીએમ અને ડેપ્યુટી સીએમએ દુઃખ વ્યક્ત કર્યું
મુખ્યમંત્રી સુખવિંદર સુખુ અને ડેપ્યુટી સીએમ મુકેશ અગ્નિહોત્રીએ દુર્ઘટના પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. મુખ્યમંત્રીએ જિલ્લા વહીવટીતંત્રને મૃતકોના નજીકના સંબંધીઓને તાત્કાલિક રાહત આપવા અને ઘાયલોને શ્રેષ્ઠ સારવાર આપવાનો નિર્દેશ આપ્યો છે. તેમણે ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની પણ કામના કરી છે.
આ પણ વાંચો
Accident: જેતપુર નજીક રેલવે ટ્રેક પર સર્જાઇ ભયંકર ઘટના, ટ્રેન નીચે આવી જતાં યુવકનું મોત