NEET UG Exam 2024 (NEET-UG 2024 Exam) ના પેપર લીક કેસમાં સુપ્રીમ કોર્ટે મંગળવારે (18 જૂન, 2024) એક મહત્વપૂર્ણ ટિપ્પણી કરતા કહ્યું કે, જો સિસ્ટમ સાથે છેડછાડ કરનાર વ્યક્તિ ડૉક્ટર બની જાય તો તે ખોટું હશે. આ વર્ષે લેવાયેલી NEET પરીક્ષામાં ગોટાળાના આક્ષેપો થયા છે, જેના કારણે દેશભરમાં વિદ્યાર્થીઓ અને વાલીઓ વિરોધ કરી રહ્યા છે. તપાસની માંગણી સાથે સુપ્રીમ કોર્ટમાં પિટિશન પણ દાખલ કરવામાં આવી છે. આજે આ મામલામાં સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કડક વલણ દાખવતા કહ્યું કે જો 0.001 ટકા પણ હેરાફેરી થશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે.
જસ્ટિસ વિક્રમનાથ અને જસ્ટિસ એસવીએન ભાટીની બેંચ આ કેસની સુનાવણી કરી રહી હતી. કોર્ટે કહ્યું કે, અમે વિદ્યાર્થીઓની મહેનતને ભૂલી શકતા નથી. બાળકો આ માટે તૈયારી કરે છે અને અમે તેમની મહેનતને અવગણી શકતા નથી.
જો કોઈ છેતરપિંડી કરનાર ડૉક્ટર બને..., સુપ્રીમ કોર્ટે કહ્યું
કોર્ટે વધુમાં કહ્યું કે, જો સિસ્ટમમાં છેડછાડ કરનાર વ્યક્તિ ડોક્ટર બની જાય તો તે સમાજ માટે કેટલું નુકસાનકારક બની શકે છે. બેન્ચે NTAને કહ્યું, 'કલ્પના કરો કે જે વ્યક્તિ સિસ્ટમને છેતરે છે તે ડૉક્ટર બને છે, તે સમાજ માટે વધુ નુકસાનકારક હશે.' હવે કોર્ટ આ કેસની સુનાવણી 8મી જુલાઈએ કરશે. ત્યાં સુધી નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) અને કેન્દ્રએ પણ સમગ્ર મામલે જવાબ આપવો પડશે.
1,563 વિદ્યાર્થીઓ ફરીથી NEETની પરીક્ષા આપશે
જસ્ટિસ વિક્રમનાથે NTAને કહ્યું કે, કોર્ટને અપેક્ષા છે કે એજન્સી આના પર સમયસર પગલાં લેશે. ખંડપીઠે NTA વકીલોને કહ્યું, “પરીક્ષા આયોજિત કરવા માટે જવાબદાર એજન્સીનું પ્રતિનિધિત્વ કરતાં, તમારે મક્કમ રહેવું જોઈએ. જો કોઈ ભૂલ છે, તો હા તે ભૂલ થઈ છે તેને સ્વીકારીને તેના માટે કાર્યવાહી કરાવનો વિશ્વાસ જગાડવો જોઇએ’.
જ્યારે કેટલાક અરજદારો માટે હાજર રહેલા વકીલે પરીક્ષામાં પૂછવામાં આવેલા પ્રશ્નને લગતો મુદ્દો ઉઠાવ્યો ત્યારે બેન્ચે કહ્યું, 'તેઓ (NTA અને કેન્દ્ર) આના પર જવાબ આપશે.' કોર્ટે કહ્યું, 'પહેલા અમને તમારી દલીલોનો હેતુ સમજીએ. આ મામલે અમે સાંજ સુધી બેસી રહેવા તૈયાર છીએ.
આ પહેલા શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું હતું કે, સુપ્રીમ કોર્ટના આદેશ પર 1,563 વિદ્યાર્થીઓની પરીક્ષા ફરી લેવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે બે જગ્યાએથી છેતરપિંડીના મામલા સામે આવ્યા છે. કોર્ટે ગ્રેસ માર્કસ મેળવનારા 1,563 વિદ્યાર્થીઓની પુનઃપરીક્ષા કરવાનો આદેશ આપ્યો હતો. NTAએ પેપર મોડા મળવાને કારણે અને સમય ગુમાવવાને કારણે આ વિદ્યાર્થીઓને 718 થી 719 ના ગ્રેસ માર્ક્સ આપ્યા હતા અને હવે તેમનું સ્કોરકાર્ડ રદ કરવામાં આવ્યું છે.
NEET પરીક્ષામાં ધાંધલધમાલનો આરોપ લગાવતી 20 મેડિકલ એસ્પાયન્ટ્સે અરજી દાખલ કરી છે. અરજીકર્તાઓએ સીબીઆઈ અથવા કોઈ સ્વતંત્ર એજન્સી દ્વારા આ મામલાની તપાસની માંગ કરી છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે આ વર્ષે 67 બાળકોએ 720 માર્કસ સાથે ટોપ કર્યું છે. અરજદારે કહ્યું કે આ ખૂબ જ વિચિત્ર છે કે આ વખતે 400 ટકા બાળકોને 620-720 માર્ક્સ મળ્યા છે.
NEET પરીક્ષાનું પરિણામ 4 જૂને આવ્યું હતું
NTA દેશની સૌથી અઘરી પરીક્ષાઓમાંની એક છે. આ પરીક્ષા દ્વારા, વિદ્યાર્થીઓ દેશભરની શ્રેષ્ઠ સરકારી અને ખાનગી મેડિકલ કોલેજોમાં પ્રવેશ મેળવે છે. વિદ્યાર્થીઓને NEET પરીક્ષાના ગુણ અને ક્રમના આધારે પ્રવેશ મળે છે. આ વર્ષે, NEET પરીક્ષા 5મી મેના રોજ 571 શહેરોમાં 4,750 કેન્દ્રો પર લેવામાં આવી હતી અને પરિણામ 4 જૂને જાહેર કરવામાં આવ્યું હતું.