IND vs WI: બીજી ટેસ્ટના પહેલા દિવસે વિન્ડીઝ 196માં સમેટાયુ, ભારતીય બોલરોનો તરખાટ
abpasmita.in | 31 Jul 2016 02:58 AM (IST)
કિંગ્સ્ટનઃ ભારતે વેસ્ટ ઈન્ડિઝ સામેની બીજી ટેસ્ટ મેચમાં પકડ મજબૂત બનાવી લીધી છે. ભારતીય બોલર્સે મેચના પહેલા દિવસે વેસ્ટ ઈન્ડિઝની પહેલી ઈનિંગને માત્ર 196 રન પર સમેટી લીધી હતી. જવાબમાં ભારતીય ટીમે દિવસની રમત પૂરી કરી ત્યા સુધી પહેલી ઈનિંગમાં 1 વિકેટ ગુમાવીને 126 રન બનાવી લીધા છે. લોકેશ રાહુલ(75*) અને ચેતેશ્વર પુજારા(18*) પહેલા દિવસે અણનમ રહ્યા છે. વેસ્ટ ઈન્ડિઝના કપ્તાન જેસન હોલ્ડરે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. આર. અશ્વિનની તરખાટ મચાવતી બોલિંગથી વેસ્ટ ઈન્ડિઝની આખી ટીમ પહેલી ઈનિંગમાં 196 રન પર સમેટાઈ ગઈ હતી. બ્લેકવુડ(62 રન) સિવાય યજમાન ટીમનો કોઈ ખેલાડી ભારતીય બોલરોનો સામનો કરી શક્યો નહોતો. બીજી ટેસ્ટ માટે ભારતીય ટીમમાં એક ફેરફાર કર્યો છે. ઈજાગ્રસ્ત મુરલી વિજયની જગ્યાએ લોકેશ રાહુલને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવ્યો છે. ત્યારે વેસ્ટ ઈન્ડિઝની ટીમમાં કાર્લોસ બ્રેથવેટની જગ્યાએ મિગેલ કમિંસને સામેલ કરવામાં આવ્યો છે. સીરીઝ પહેલા ટેસ્ટ મેચમાં ભારતીય ટીમે ઈનિંગ અને 92 રને યજમાન ટીમને હરાવી હતી.