નવી દિલ્લીઃ કેન્દ્રની રેન્દ્ર મોદી સરકારના આરોગ્ય મંત્રાલયે કોરોનાની સારવારમાં યોગ અને આયુર્વેદ અસરકારક હોવાનો દાવો કર્યો છે. કોરોનાની સારવાર માટે મોદી સરકારના આરોગ્ય મંત્રાલયે દેશવ્યાપી પ્રોટોકોલ પણ જાહેર કર્યો છે. મોદી સરકારની જાહેરાત સામે ઈન્ડિયન મેડિકલ એસોસિએશને વાંધો લઈને સરકારને પડકાર ફેંક્યો છે કે, યોગ અને આયુર્વેદની સારવારથી કોરોનાગ્રસ્તને લાભ થયો હોય તો તેના તમામ પુરાવા જાહેર કરે.

આઈએમએએ માગ કરી છે કે, કેન્દ્રના આરોગ્ય મંત્રી પોતે એલોપથીના ડોક્ટર છે છતાં તેમણે અથવા તેમના વિભાગના કોઈપણ સભ્યે કોરોનાનો ભોગ બન્યા પછી અલોપથીના બદલે યોગ અને આયુર્વેદથી સારવાર મેળવી છે કે નહીં તે પણ જાહેર કરે.



કોરોના વાયરસની સારવારમાં કેન્દ્ર સરકારે સત્તાવાર રીતે આયુર્વેદ અને યોગનો સમાવેશ કર્યો છે. મંગળવારે કેન્દ્ર સરકારના સ્વાસ્થ્ય મંત્રાલયે કોરોનાની સારવાર માટે યોગ અને આયુર્વેદ આધારિત પ્રોટોકોલ જાહેર કર્યો હતો.

જો કે યોગ અને આયુર્વેદથી કઈ રીતે કોવિડના દર્દીને રાહત મળે છે તેના કોઈ નક્કર પુરાવા જ અપાયાં નથી તેના કારણે મેડિકલ એસોસિએશને સરકાર સામે પડકાર ફેંક્યો છે.



મોદી સરકાર દ્વારા યોગમાં કોને કેટલો ફાયદો થયો, કયા સ્ટેજ પરના દર્દી પર શું લાભ થયો તે વિશે પણ ફોડ પડાયો નથી. આ કારણે ઈન્ડિયન મેડિકલે સવાલ ઉઠાવ્યો છે કે, આયુર્વેદ અને યોગથી કોરોનામાં ફાયદો થયા અંગે ડબલ બ્લાઈન્ડ કંટ્રોલ સ્ટડી થયા છે? આ સ્ટડી થયા હોય તો તેના પુરાવા નબળા, સામાન્ય કે મજબુત, કેવા પ્રકારના મળ્યા? જો યોગ અને આયુર્વેદથી માઈલ્ડ કોરોનામાં પણ લાભ થતો હોય તો આખા દેશમાં કોરોનાની સારવાર એલોપથીને નહીં પણ આયુષ પદ્ધતિને જ સોંપી કેમ નથી દેવાતી?

મેડિકલ એસોસિએશને માગણી પણ કરી છે કે, આ તમામ પુરાવાની વૈજ્ઞા।નિક ચકાસણી થાય તે માટે તેમને જાહેર કરવા જોઈએ.