Assam Boat Collision: આસામમાં બ્રહ્મપુત્ર નદીમાં બુધવારે બે બોટ સામસામે અથડાયા બાદ અનેક લોકો ગુમ થયા હોવાના અહેવાલ છે. સમાચાર એજન્સી પીટીઆઇના કહેવા પ્રમાણે, અધિકારીઓ કહ્યું કે, આ બંન્ને બોટમાં લગભગ 100 લોકો સવાર હતા. બીજી તરફ વડાપ્રધાન મોદીએ બ્રહ્મપુત્ર નદીમાં થયેલી દુર્ઘટના અંગે દુખ વ્યક્ત કર્યું હતું. તેમણે કહ્યું કે તમામ મુસાફરોને બચાવવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
આ ઘટના પર રાજ્યના મુખ્યમંત્રીએ દુખ વ્યક્ત કર્યું હતું અને બચાવ અભિયાન ચલાવવાના નિર્દેશ આપ્યા હતા. આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ કહ્યું કે રાજ્યના મંત્રી બિમલ બોરાહને કહેવામાં આવ્યું છે કે તેઓ તત્કાળ ઘટનાસ્થળ પર જાય. હું પણ આવતીકાલે નિમતી ઘાટ જઇશ.
મુખ્યમંત્રીએ કહ્યું કે મજૂલી અને જોરહાદ વહીવટીતંત્રને નિર્દેશ આપવામાં આવ્યા છે કે તેઓ નેશનલ ડિઝાસ્ટર રિલિફ ફોર્સ અને સ્ટેટ ડિઝાસ્ટર રિલિફ ફોર્સની મદદથી પોતાનું રેસ્ક્યૂ મિશન ઝડપી કરે. કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે પણ ફોન કરીને જોરહાટના નિમતીઘાટ પર થયેલી બોટ દુર્ઘટના અંગે વાતચીત કરી હતી અને બચાવવામાં આવેલા લોકોની સ્થિતિ અંગે અપટેડ મેળવી હતી. ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે કેન્દ્ર સરકાર તમામ સંભવ મદદ આપવા માટે તૈયાર છે.