જયપુર: રાજસ્થાનના કોટાની જે કે લોન હોસ્પિટલમાં એક મહિનામાં 106 બાળકોના મોત થયા છે. મોતના આ આંકડા બાદ હોસ્પિટલ પર સરકારની નજર તો પહોંચી છે. પરંતુ હવે કોટાની પાસે આવેલા બૂંદીની સરકારી હોસ્પિટલમાં પણ હાલમાં બાળકો મોતના મુખમાં પહોંચી રહ્યા છે. અહીં પણ 1 મહિનામાં 10 બાળકોના મોત થયા છે.

કોટામાં બાળકોના મોતનો સિલસિલો સતત ચાલી રહ્યો છે. જે કે લોન હોસ્પિટલમાં મૃત્યુ પામનારા બાળકોની સંખ્યા 106ને પાર થઈ છે ત્યારે તંત્ર સજાગ બન્યું છે અને તપાસના આદેશ આપ્યા છે. હવે કોટા બાદ બૂંદીની એક હોસ્પિટલમાં બેદરકારીનો કિસ્સો જોવા મળી રહ્યો છે. અહીં 1 મહિનામાં 10 બાળકોના મોત નીપજ્યા છે.


બાળકોના મોતનો આંકડો હોસ્પિટલ દ્વારા છૂપાવવામાં આવ્યો હતો. બૂંદીની સરકારી હોસ્પિટલમાં બાળકોના મોતનો ખુલાસો ત્યારે થયો જ્યારે જિલ્લા કલેક્ટરે હોસ્પિટલની મુલાકાત લીધી. તેઓએ જાતે રજિસ્ટર ચેક કર્યું અને મોતની સંખ્યા જોઈને તેઓ હેરાન રહી ગયા હતા. અહીં 1 મહિનામાં 10 બાળકોના મોત થયા હતા. આ દરેક બાળકો નિયોનટલ ઈન્ટેસિવ કેયર યૂનિટમાં મૃત્યુ પામ્યા હતા.


જિલ્લા કલેક્ટરે આ ઘટનાનો રિપોર્ટ માંગ્યો છે. આ સાથે હોસ્પિટલના સ્ટાફને નિર્દેશ આપવામાં આવ્યો છે કે હોસ્પિટલમાં સફાઈનું ખાસ ધ્યાન રાખવામાં આવે. હોસ્પિટલમાં કોઈ પણ પ્રકારનું ઈન્ફેક્શન ન થાય તેનું ધ્યાન રાખવાનું કહેવામાં આવ્યું છે.