જલગાંવમાં ટ્રક-જીપ વચ્ચે અકસ્માતમાં એક જ પરિવારના 7 લોકો સહિત 10નાં મોત
એબીપી અસ્મિતા વેબ ટીમ | 03 Feb 2020 03:05 PM (IST)
અકસ્માતનો ભોગ બનનારા તમામ એક લગ્ન પ્રસંગમાંથી પરત ઘરે ફરી રહ્યાં હતાં. સામેથી આવી રહેલા એક ટ્રકે જીપને ટક્કર મારતા આ ઘટના બની હતી.
મુંબઈઃ રવિવારે રાત્રે મહારાષ્ટ્રના જલગાંવમાં ટ્રક અને જીપ વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો હતો જેમાં 10 લોકોનાં મોત નિપજ્યાં હોવાનું સામે આવ્યું હતું, જ્યારે 7 લોકોને ઈજા પહોંચી હતી. એક જ પરિવારના 7 વ્યક્તિના આ અકસ્માતમાં મોત થયાના અહેવાલ મળ્યાં હતાં. અકસ્માતનો ભોગ બનનારા તમામ એક લગ્ન પ્રસંગમાંથી પરત ઘરે ફરી રહ્યાં હતાં. સામેથી આવી રહેલા એક ટ્રકે જીપને ટક્કર મારતા આ ઘટના બની હતી. ઈજાગ્રસ્તોને જલગાંવની અલગ-અલગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. આ ઘટના યાવલ તાલુકાના હિંગોલા ગામ પાસે બની હતી. પ્રાપ્ત માહિતી પ્રમાણે ચિનચોન ગાંમના બાલુ નાયારણ ચૌધરી અને મેહુલ ગામના મહાજન પરિવાર સાથે 400 કિમી દૂર લગ્નમાં ચોપડા ગામ ગયા હતા. જ્યાંથી તમામ 17 લોકો એક એસયુવીમાં રાત્રે 11 વાગે ઘરે પરત ફરી રહ્યાં હતાં. આ સમયે ચોપડા-ફૈજપુર રોડ પર આ અકસ્માત સર્જાયો હતો. ટ્રક અને જીપ વચ્ચે એટલી ભયંકર ટક્કર થઈ હતી કે જીપનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો અને તેમાં સવારી કરી રહેલા 10 લોકોના ઘટના સ્થળ પર જ મોત નિપજ્યાં હતાં.