નવી દિલ્હી: દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને પડકાર આપવા માટે નવી દિલ્હી બેઠક પરથી 27 ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં છે. નવી દિલ્હી બેઠક પરથી અરવિંદ કેજરીવાલ સહિત 88 ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભર્યું હતું, પરંતું ઉમેદવારી ફોર્મ પરત લેવાની પ્રક્રિયા બાદ 28 ઉમેદવારો મેદાનમાં છે. 11 ઉમેદવારો ઉમેદવારી ફોર્મ રદ્દ થતા હાઈકોર્ટ પહોંચ્યા છે. 11 ઉમેદવારોની અરજી પર સુનાવણી માટે હાઈકોર્ટ સહમત થયું છે. કોર્ટ આ અરજી પર મંગળવારે સુનાવણી કરશે.


આ મામલો મુખ્ય જજ ડીએન પટેલનની અધ્યક્ષતાવાળી હાઈકોર્ટની બેંચ સમક્ષ રજૂ કરવામાં આવ્યો છે. બેંચમાં એક અન્ય સદસ્ય જજ સી. હરિશંકર પણ છે. વિપ્લવ શર્મા દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં સંબંધિત અધિકારીઓને યોગ્ય દિશા-નિર્દેશ બનાવવા અને ભારતના દરેક વર્ગના સમાજના તમામ ઉમેદવારોને ઉમેદવારી ફોર્મ ભરવાની સુવિધા પ્રદાન કરવાના નિર્દેશની માંગ કરવામાં આવી છે.

અરજીકર્તાઓનું કહેવું છે કે તેમના ઉમેદવારી ફોર્મને ખોટી રીતે, મનમાની કરી અને અસંવૈધાનિક રીતે રદ્દ કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું ખોટી રીતે અને અસંવૈધાનિક રીતે તેમને સંવૈધાનિક અધિકારોથી વંચિત રાખવામાં આવ્યા છે. અરજીકર્તાઓ અનુસાર, કથિત અરજીકર્તાઓએ સવાલ ઉઠાવ્યા તો ચૂંટણી અધિકારીએ ત્યાં હાજર પોલીસની ધમકી પણ આપી હતી.

નવી દિલ્હી વિધાનસભા બેઠક પરથી અરવિંદ કેજરીવાલ બે વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. 2013માં અરવિંદ કેજરીવાલે પ્રથમ ચૂંટણીમાં શીલા દીક્ષિતને હરાવીને પ્રથમ વખત જીત મેળવી હતી. 2015માં પણ કેજરીવાલ આ બેઠક પરથી જીત મેળવી અને બીજી વખત દિલ્હીના મુખ્યમંત્રી બનવામાં સફળ થયા.