નવી દિલ્હીઃ દેવા તળે દબાયેલી એર ઇન્ડિયાની સંપૂર્ણ હિસ્સેદારી વેચવા માટે સરકારે ટેન્ડર જાહેર કર્યું છે. આ પ્રસ્તા પર સતત લોકોની પ્રતિક્રિયાઓ આવી રહી છે. હવે ભાજપ સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ પણ આ વાતને લઈને પોતાની વાત લોકો સામે મુકી છે.


સુબ્રમણ્યમ સ્વામીએ ટ્વીટ કરીને લખ્યું, ‘એર ઇન્ડિયાને વેચવાનો પ્રસ્તાવ સંપૂર્ણ રીતે રાષ્ટ્ર વિરોધી છે અને મારે કોર્ટ જવા માટે મજબૂર થવું પડશે. આપણે પરિવારની અતિ મૂલ્યવાન વસ્તુ વેચી ન શકીએ.’



ખોટમાં ચાલી રહેલ સરકારી એરલાઈન એર ઇન્ડિયાને વેચવાના પ્રયત્ન ફરી શરૂ થઈ ગયા છે. સરકારે એર ઇન્ડિયાને વેચવા માટે ઓપન ટેન્ડરની જાહેરાત કરી છે. સરકાર એર ઇન્ડિયામાં 100 ટકા શેર વેચશે. સરકારી ટેન્ડર અનુસાર ખરીદદારો 17 માર્ચ સુધી અરજી કરી શકશે.


સાથોસાથ સરકારે સબ્સિડિયરી કંપની એર ઈન્ડિયા એક્સપ્રેસ અને એરપોર્ટ સર્વિસ કંપની AISATSને પણ વેચવા માટે બોલીઓ મંગાવી છે. એર ઈન્ડિયાને વેચવા માટે ગ્રુપ ઑફ મિનિસ્ટર્સએ હાલમાં ડ્રાફ્ટને મંજૂરી આપી છે. ગૃહ મંત્રી અમિત શાહની અધ્યક્ષતાવાળી જીઓએમની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો.

છેલ્લા ઘણાં સમયથી એર ઇન્ડિયા ખોટમાં ચાલી રહી છે. કંપનીએ 2018-19માં 8,556.35 કરોડ રૂપિયા ખોટ કરી હતી. એરલાઇન્સ પર 50,000 કરોડ રૂપિયાથી વધુનું દેવું છે. તેથી સરકાર એર ઈન્ડિયાને વેચવા માંગે છે. માર્ચ સુધી વેચાણ પ્રક્રિયા પૂરી કરવાની યોજના છે.