નવી દિલ્હી: ભારતમાં કોરોના વાયરસના કેસની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. દેશાં અત્યાર સુધીમાં કુલ 114 કેસ નોંધાયા છે. કેંદ્ર સરકાર દ્વારા સાવધાની માટે પગલા ભરવામાં આવી રહ્યા છે, આ સાથે જ દેશના મોટા ભાગના રાજ્યોમાં સ્કૂલ-કોલેજ અને થિયેટરને બંધ રાખવાના આદેશ આપવામાં આવ્યા છે. દુનિયાભરમાં કોરોના વાયરસના કારણે અત્યાર સુધીમાં 6 હજારથી વધુ લોકોના મોત થયા છે, જ્યારે ભારતમાં અત્યાર સુધીમાં બે લોકોના મોત થયા છે.



મહારાષ્ટ્રમાં એક બાદ એક કોરોના વાયરસના મામલા ઝડપથી સામે આવી રહ્યાં છે. સોમવારે ચાર નવા કેસ સામે આવતાં રાજ્યમાં COVID19ના પીડિતોની સંખ્યા 38 પર પહોંચી ગઈ છે. મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના સૌથી વધુ કેસ અત્યાર સુધી પુણેમાં સામે આવ્યા છે.



કોરોના વાયરસના કેસમાં સતત વધારો થતા સરકાર અને તંત્ર પણ ચિંતિત છે. મુંબઈ પોલીસે પહેલા જ કલમ 144 લાગૂ કરી દીધી છે. ગ્રુપ ટૂર કરવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝે પણ તમામ શૂટિંગ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.

નોંધનીય છે કે, કોરોના વાયરસના કારણે અત્યાર સુધી દુનિયાભરમાં 6,515 લોકોનાં મોત થયા છે. ચીનમાં સૌથી વધુ 3213 લોકોના મોત થયા છે, બાદમાં ઇટાલીમાં 1809 લોકો કોરોનાથી મૃત્યુ પામ્યા છે. આ સિવાય સંક્રમિત લોકોની સંખ્યા વધીને 1,69,415 થઈ ગઈ છે.