ભોપાલ: મધ્યપ્રદેશ વિધાનસભા 26 માર્ચ સુધી સ્થગિત થયા બાદ ભારતીય જનતા પાર્ટીએ 106 ધારાસભ્યોએ પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણના નેતૃત્વમાં રાજભવન પહોંચ્યા અને રાજ્યપાલ લાલજી ટંડન સામે પોતાની હાજરી નોંધાવી હતી. આ સાથે જ ભાજપના નેતાઓએ ભાજપ પાસે બહુમત હોવાનો દાવો કરતા રાજ્યપાલ પાસે શક્તિ પરિક્ષણ કરાવવાની માંગ કરી હતી.



રાજ્યપાલને મળ્યા બાદ પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે સંવાદદાતોઓને કહ્યું, 'કમલનાથ સરકાર પાસે બહુમત નથી એટલે જ રાજ્યપાલે તેમને અભિભાષણ બાદ શક્તિ પરિક્ષણનો આદેશ આપ્યો હતો.' ભારતીય જનતા પાર્ટીના 106 ધારાસભ્યો દ્વારા હસ્તાક્ષર કરી શપથપત્ર રાજ્યપાલને આપવામાં આવ્યો હતો.



તેમણે સવાલ કર્યો કે, 'બહુમત હોય તો સરકારને શક્તિ પરિક્ષણ કરાવવામાં શુ વાંધો છે ? પરંતુ મુખ્યમંત્રી બચી રહ્યા છે અને સમય પસાર કરી રહ્યા છે કારણ કે તેઓ જાણે છે કે તેમની પાસે બહુમત નથી. શિવરાજ સિંહ ચૌહાણે આરોપ લગાવ્યો કે સરકાર રણછોડ બની ગઈ છે. સત્ર સ્થગિત કરી ભાગી ગઈ'

મધ્ય પ્રદેશમાં જ્યોતિરાદિત્ય સિંધિયાના રાજીનામાના કારણે સંકટનો સામનો કરી રહેલી કોંગ્રેસની કમલનાથ સરકારને વધુ દસ દિવસ મળી ગયા છે. વિધાનસભા સ્પીકર એન.પી. પ્રજાપતિએ 26 માર્ચ સુધી વિધાનસભાની કાર્યવાહી સ્થગિત કરી દેવાનો આદેશ આપતાં કમલનાથ સરકારને હાલ પૂરતું જીવતદાન મળી ગયું છે. નાટ્યાત્મક રાજકીય ઘટનાક્રમના 13 દિવસ પછી મધ્ય પ્રદેશ વિધાનસભામાં સોમવારે કમલનાથ વિશ્વાસનો મત લેવાના હતા પણ રાજકીય ખેંચતાણ વચ્ચે ફ્લોર ટેસ્ટ થયો નહોતો.

મધ્ય પ્રદેશમાં રાજ્યસભાની ચાર બેઠકોની 26 માર્ચે ચૂંટણી હોવાથી વોટિંગ થવાનું છે. આ જ દિવસે વિધાનસભાની બેઠક ફરી મળશે અને કમલનાથ વિશ્વાસનો મત લેશે. સ્પીકર પ્રજાપતિએ કોરાનાવાયરસનું બહાનું કાઢીને વિધાનસભાની કાર્યવાહી મોકૂફ રાખી હતી.