ભોપાલઃ મધ્ય પ્રદેશમાં જ્યોતિરાદિત્ય સિંધિયાના રાજીનામાના કારણે સંકટનો સામનો કરી રહેલી કોંગ્રેસની કમલનાથ સરકારને વધુ દસ દિવસ મળી ગયા છે. વિધાનસભા સ્પીકર એન.પી. પ્રજાપતિએ 26 માર્ચ સુધી વિધાનસભાની કાર્યવાહી સ્થગિત કરી દેવાનો આદેશ આપતાં કમલનાથ સરકારને હાલ પૂરતું જીવતદાન મળી ગયું છે. નાટ્યાત્મક રાજકીય ઘટનાક્રમના 13 દિવસ પછી મધ્ય પ્રદેશ વિધાનસભામાં સોમવારે કમલનાથ વિશ્વાસનો મત લેવાના હતા પણ રાજકીય ખેંચતાણ વચ્ચે ફ્લોર ટેસ્ટ થયો નહોતો.


મધ્ય પ્રદેશમાં રાજ્યસભાની ચાર બેઠકોની 26 માર્ચે ચૂંટણી હોવાથી વોટિંગ થવાનું છે. આ જ દિવસે વિધાનસભાની બેઠક ફરી મળશે અને કમલનાથ વિશ્વાસનો મત લેશે. સ્પીકર પ્રજાપતિએ કોરાનાવાયરસનું બહાનું કાઢીને વિધાનસભાની કાર્યવાહી મોકૂફ રાખી હતી.

આ પહેલાં રાજ્યપાલ લાલજી ટંડને અંદાજે 11.15 વાગે વિધાનસભા પહોંચ્યા હતા. તેમણે અભિભાષણ સંપૂર્ણ ન વાંચ્યું હતું. રાજ્ય સરકાર લોકતાંત્રિક મૂલ્યોનું નિર્વહન કરે, એટલું કહીને ટંડન ગૃહથી જતા રહ્યા હતા.

મુખ્યમંત્રી કમલનાથ પોતાની સરકારના સંસદીય કાર્ય મંત્રી ગોવિંદ સિંહ, રાજ્યસભા સાંસદ અને સીનિયર વકીલ વિવેક તન્ખા સાથે ચર્ચા પછી વિધાનસભા પહોંચ્યા હતા. તેના અડધા કલાક પછી રાજ્યપાલ લાલજી ટંડન વિધાનસભા પહોંચ્યા હતા પરંતુ તેમણે અભિભાષણ પૂરુ ન કર્યું.

કમલનાથે રાજ્યપાલને પત્ર લખીને કહ્યું છે કે, હાલની સ્થિતિમાં ફલોર ટેસ્ટ કરાવવો શક્ય નથી. અત્યારે ગૃહમાં બહુમતી સાબિત કરવી લોકશાહીપૂર્ણ નથી તેથી પોતે સ્પીકર કહેશ ત્યારે વિશ્વાસનો મત લેશે.