Fake NCC Camp: રાષ્ટ્રીય મહિલા આયોગ (NCW) એ તમિલનાડુના કૃષ્ણાગિરીમાંથી 'નકલી એનસીસી કેમ્પમાં 13 છોકરીઓનું જાતીય શોષણ' ટાઇટલ સાથેના મીડિયા રિપોર્ટ પર સ્વતઃ સંજ્ઞાન લીધું છે. મહિલા આયોગે ડીજીપી ચેન્નઈને નિષ્પક્ષ, સમયસર તપાસ સુનિશ્ચિત કરવા અને સંબંધિત કાયદા હેઠળ આરોપીઓ સામે કેસ નોંધવા નિર્દેશ આપ્યો છે. આ ઉપરાંત પોલીસ અને રાજ્ય સરકાર પાસેથી 3 દિવસમાં વિગતવાર એક્શન રિપોર્ટ માંગવામાં આવ્યો છે. વાસ્તવમાં ગયા સોમવારે તમિલનાડુ પોલીસે ખુલાસો કર્યો હતો કે કૃષ્ણાગિરીમાં નકલી નેશનલ કેડેટ કોર્પ્સ (NCC) કેમ્પ ચાલી રહ્યો હતો. અહીં એક ડઝનથી વધુ છોકરીઓનું યૌન શોષણ થયું હતું.
આ નકલી કેમ્પના આયોજક, શાળાના આચાર્ય, બે શિક્ષકો અને એક પત્રકાર સહિત 11 લોકોની ધરપકડ કરવામાં આવી છે. શાળા પ્રશાસનને જાતીય ગુનાઓની જાણ હતી પરંતુ પોલીસને જાણ કરવાને બદલે તેઓએ મામલો છૂપાવવાનો પ્રયાસ કર્યો હતો.'
નકલી NCC કેમ્પમાં 13 છોકરીઓ પર બળાત્કાર
પોલીસના જણાવ્યા અનુસાર ખાનગી શાળામાં એનસીસી યુનિટ નહોતું. એક જૂથે શાળા મેનેજમેન્ટનો સંપર્ક કર્યો હતો અને દાવો કર્યો હતો કે આવા શિબિરનું આયોજન કરવાથી તેઓ લાયક બની જશે. સ્કૂલ મેનેજમેન્ટે નકલી ગ્રુપ સાથે જોડતા પહેલા બેકગ્રાઉન્ડ ચેક કર્યું ન હતું. આ મહિનાની શરૂઆતમાં આયોજિત ત્રણ દિવસીય શિબિરમાં 17 છોકરીઓ સહિત 41 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ સમય દરમિયાન છોકરીઓને પહેલા માળે શાળાના ઓડિટોરિયમમાં રાખવામાં આવી હતી જ્યારે છોકરાઓને ભોંયરામાં રાખવામાં આવ્યા હતા. આરોપીઓ પર પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ (POCSO) એક્ટ હેઠળ આરોપ મૂકવામાં આવ્યો છે. પોલીસ એ પણ તપાસ કરી રહી છે કે શું નકલી NCC કેમ્પ પાછળના ગ્રુપે અન્ય શાળાઓમાં પણ આવા કેમ્પનું આયોજન કર્યું હતું. નોંધનીય છે કે કોલકાતાની આરજી કર હોસ્પિટલમાં 31 વર્ષીય ટ્રેઇની ડોક્ટર સાથે ભયાનક બળાત્કાર અને હત્યાને લઈને દેશવ્યાપી આક્રોશ વચ્ચે આ મામલો પ્રકાશમાં આવ્યો હતો.
આ પણ વાંચોઃ