નવી દિલ્હીઃ ઉત્તરાખંડના ટિહરી જિલ્લામાં 25 લોકો ભરેલી બસ રસ્તાથી 250 મીટર ઉંડી ખીણમાં ખાબકતા બસમાં સવાર 14 લોકોના મોત થયા છે જ્યારે નવ લોકોના ઇજાગ્રસ્ત થયાના અહેવાલ છે. ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યા છે.
ઘટના ટિહરી જિલ્લાના ઋષિકેશ ગંગોત્રી નેશનલ હાઇવે 94 પર બની હતી. અહીં ઉત્તરાખંડ પરિવહનની રોડવેઝ બસ સૂર્યધાર પાસે દુર્ઘટનાગ્રસ્ત થઇ હતી. આ બસ ભટવાડી ઉત્તરકાશીથી હરિદ્ધાર જઇ રહી હતી. બસમાં કુલ 25 લોકો સવાર હતા.
ઉત્તરાખંડ સરકારે દુર્ઘટનામાં મોતને ભેટેલા લોકોના પરિવારજનોને બે-બે લાખ રૂપિયાના વળતરની જાહેરાત કરી છે. જ્યારે ઘાયલોને 50-50 હજાર રૂપિયા સહાયની પણ જાહેરાત કરાઇ છે. મેજીસ્ટ્રેટે તપાસના આદેશ આપ્યા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળ પર પહોંચી રાહત કાર્ય શરૂ કર્યું હતું.