નવી દિલ્હીઃ રેલવે મંત્રાલયે હાલ્ટ સ્ટેશનોને છોડીને તમામ સ્ટેશનો પર મફતમાં વાઇ-ફાઇ સુવિધા આપવાનો નિર્ણય કર્યો છે. રેલ રાજ્યમંત્રી રાજેન ગોહેને બુધવારે લોકસભામાં કહ્યું કે, વર્ષ 2016-17માં 100 સ્ટેશનો પર વર્ષ 2017-18માં 200 સ્ટેશનો પર અને વર્ષ 2018-19માં 500 સ્ટેશનો પર વાઇ-ફાઇ સુવિધા આપવાનો ટાર્ગેટ રાખવામાં આવ્યો હતો. તેને ધ્યાનમાં લઇને અત્યાર સુધીમાં કુલ 707 સ્ટેશનો પર વાઇફાઇની સુવિધા શરૂ કરી દેવામાં આવી છે.
ગોહેને કહ્યું કે એ વાતનું ધ્યાન રાખવામાં આવ્યું છે કે આ તમામ પ્રક્રિયામા રેલવેને કોઇ પ્રકારનો ખર્ચ કરવો ના પડે. તેમણે કહ્યું કે, રેલ-ટેલએ એ-1 અને એ વર્ગના સ્ટેશનો પર વાઇ ફાઇ સુવિધા આપવા માટે મેસર્સ મહાતા ઇન્ફોમેશન ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ સાથે કરાર કર્યો છે. આ કંપની મેસર્સ ગુગલ ઇન્કારપોરેટેડની કંપની છે. એ-1 અને એ વર્ગના જે સ્ટેશનો પર વાઇ-ફાઇ આપવા માટે રેલ-ટેલએ એમઆઇઆઇપીએલ સાથે કરાર કર્યા છે. જેનો ખર્ચ બંન્ને કંપનીઓ સાથે મળીને ઉઠાવશે.
રેલ-ટેલને સલાહ આપવામાં આવી છે કે તે બી અને સી કેટેગરીના સ્ટેશનોના આધાર પર મહેસૂલનુ અનુપાલન કરે. ડી અને ઇ વર્ગના સ્ટેશનો માટે વાઇફાઇ આપવાના સંબંધમાં ફંડ ઉપલબ્ધ કરાવવા માટે દૂરસંચાર વિભાગને આગ્રહ કરવામાં આવ્યો છે.