છત્તીસગઢ : સુકમામા સુરક્ષા જવાનોનું મોટું ઓપરેશન, 14 નકસલીઓને કર્યા ઠાર
એબીપી અસ્મિતા વેબ ટીમ | 06 Aug 2018 03:24 PM (IST)
રાયપુર: છત્તીસગઢમાં નક્સલીઓ સાથેની અથડામણમાં સુરક્ષા દળોએ 14 નક્સલીઓને ઠાર કર્યા છે. આ અથડામણ નક્સલી પ્રભાવિત સુકમા જિલ્લાના ગોલાપલ્લી પોલીસ સ્ટેશન વિસ્તારના જંગલમાં બની. સુરક્ષા દળોએ આ તમામ વિસ્તારને ઘેરી તપાસ હાથ ધરી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ગોલાપલ્લી અને કોંટા પોલીસ સ્ટેશન વિસ્તાર વચ્ચે લગભગ 100 નક્સલી મીટિંગ કરી રહ્યા હતા. ખબરી પાસેથી સૂચના મળ્યા બાદ સુરક્ષા જવાનોએ રણનીતિ બનાવી નક્સલીઓ પર હુમલો કરી દીધો. ઠાર કરવામાં આવેલા 14 નક્સલીઓના મૃતદેહ પોલીસ કબ્જે લઈ લીધા છે. મળેલી જાણકારી મુજબ, ઘટના સ્થળ પરથી 4 આઈઈડી અને 16 દેશી હથીયાર પણ કબ્જે લેવામાં આવ્યા છે. છત્તીસગઢમાં આ વર્ષેની આ સૌથી મોટી કાર્યવાહી જણાવવામાં આવી રહી છે. DRG, STF અને CRPFએ સંયુક્ત કાર્યવાહી કરી આ મિશન પાર પાડ્યું છે.