આધાર હેલ્પલાઇન નંબર સેવ કરવાથી ફોનનો ડેટા ચોરાઇ શકે નહીઃ UIDAI
abpasmita.in | 06 Aug 2018 09:55 AM (IST)
નવી દિલ્હીઃ ધ યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (યુઆઇડીએઆઇ)એ રવિવારે જણાવ્યું હતું કે કેટલાક સ્વાર્થી તત્વોએ ગુગલની એક ભૂલનો દુરુપયોગ કરીને આધારની છબિ ખરડી લોકો વચ્ચે ડર ફેલાવવાનો પ્રયાસ કર્યો છે. યુઆઇડીએઆઇએ જણાવ્યું કે કોઇ ફોનના કોન્ટેક્ટ લિસ્ટમાં નંબર એડ કરવા માત્રથી કોઇના ફોનમાંથી ડેટા ચોરી શકાય નહીં. ગુગલની એક ભૂલને કારણે યુઆઇડીએઆઇનો જૂનો હેલ્પલાઇન નંબર અનેક લોકોના ફોનના કોન્ટેક્સ લિસ્ટમાં દેખાવા લાગ્યો હતો. અફવા ફેલાવનારાઓ આ ભૂલના માધ્યમથી આધારની છબિ ખરાબ કરવાનો પ્રયાસ કર્યો છે. એજન્સીએ એક નિવેદનમાં જણાવ્યું કે, કોન્ટેક્ટ લિસ્ટમાં કોઇ હેલ્પલાઇન નંબરથી કોઇ ફોનનો ડેટા ચોરી શકાય નહીં. જેથી આ નંબરને ડિલિટ કરવામાં કોઇ ડર રાખવો નહીં કારણ કે તેનાથી કોઇને કાંઇ નુકસાન થશે નહીં. જો ઇચ્છે તો તે નંબરને બદલે યુઆઇડીએઆઇનો નવો હેલ્પલાઇન નંબર 1947 સેવ રાખી શકે છે. નોંધનીય છે કે ફ્રાન્સનો હેકર હોવાનો દાવો કરનારા એક ટ્વિટર યુઝરે છેલ્લા સપ્તાહમાં ટ્વિટ કરીને અફવા ફેલાવી હતી. જેમાં લખ્યું હતું કે, અલગ અલગ મોબાઇલ ફોન સેવા કંપનીઓના ગ્રાહકો કે જેમની પાસે આધાર કાર્ડ છે અથવા નથી અને જેમણે એમ આધાર એપનો ઉપયોગ કર્યો નથી તેવા ગ્રાહકોના ફોનના કોન્ટેક્ટ લિસ્ટમાં પણ આધારનો હેલ્પલાઇન નંબર કેમ દેખાઇ રહ્યો છે?